૨૦૦થી વધુ સ્થાનિકો પ્રદર્શન સ્થળે પથ્થરમારો કર્યા બાદ પોલીસે લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડ્યા, અથડામણમાં બે પોલીસકર્મી ઘાયલ, કિસાન નેતાઓએ શાંતિની અપીલ કરી
પોલીસે સમગ્ર પ્રદર્શન સ્થળને ઘેરી લીધું હોવા છતાં મોટી સંખ્યામાં સ્થાનિકો કેવી રીતે ઘૂસી
આવ્યા તેનો કોઇ ખુલાસો ના થયો, બંને જૂથો વચ્ચે સામ-સામે પથ્થરમારા બાદ અજંપાભરી શાંતિ

 

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
દિલ્હી-હરિયાણા વચ્ચે આવેલી સિંઘુ બોર્ડર પર છેલ્લા બે મહિના ઉપરાંથી આંદોલન ચલાવી રહેલા કિસાનોના ટેન્ટ પર શુક્રવારે અચાનક ૨૦૦થી વધારે સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરીને ટેન્ટને તોડવામાં આવ્યા બાદ બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. આ સ્થળ કિસાન આંદોલનનું મુખ્ય સ્થળ ગણાય છે. આ ઘટનામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા જેમાં એકને તલવારની ઇજાઓ થઇ હતી. ગણતંત્ર દિવસની હિંસા બાદથી જ તંગ બનેલા વિરોધ પ્રદર્શનસ્થળ ખાતે શુક્રવારે બપોર બાદ આ ઘટના સર્જાતા પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ટિયરગેસનો મારો ચલાવ્યો હતો. બીજી તરફ કિસાન નેતાઓએ પણ શાંતિની અપીલ કરી હતી. આ ઘટનામાં બે લોકોની અટકાયત કરાઇ છે. હજુ એ વાતનો ખુલાસો નથી થયો કે, પોલીસ દ્વારા સંપૂર્ણ વિસ્તારને બ્લોક કર્યા બાદ પણ આટલી મોટી સંખ્યામાં પ્રદર્શન સ્થળે બહારના લોકો કેવી રીતે ઘૂસી આવ્યા. પ્રદર્શન સ્થળે ઘૂસી આવેલા લોકો કિસાનોના વોશિંગ મશીનઅન્ય સાધનોને પણ નુકસાન પહોંચાડી રહ્યા હતા અને ખેડૂતોને અહીંથી ચાલ્યા જવા માટે કહી રહ્યા હતા. આ દરમિયાન બંને બાજુથી પથ્થરમારો શરૂ થયો હતો. આ દરમિયાન પોલીસ દેખાવકાર કિસાનોથી અંતર જાળવી રહેલી દેખાઇ હતી. બીજી તરફ અન્ય બે મહત્વના પ્રદર્શન સ્થળ ટિકરી અને ગાઝીપુર ખાતે પણ મોટી સંખ્યામાં સલામતી દળોને ગોઠવી દેવાયા બાદ સ્થિતિ તંગદિલીભરી બની છે. સિંઘુ બોર્ડર પર બનેલી ઘટના બાદ જ હરિયાણાની બીજી બોર્ડર ટિકરી પરથી પણ આવી ઘટનાના અહેવાલ મળ્યા હતા જ્યાં લોકોનું એક ટોળું કિસાનોને ચાલ્યા જવા માટે કહી રહ્યું હતું અને તેમનો વિરોધ કરી રહ્યું હતું. લોકો કહી રહ્યા હતા કે, તેઓ લાલ કિલ્લા પર બનેલી ઘટનામાં રાષ્ટ્રીય તિરંગાનું અપમાન સહન નહીં કરે. ગુરૂવારે પણ સિંઘુથી ૯૬ કિલોમીટર દૂર કરનાલમાં દેખાવો કરી રહેલા કિસાનોને પ્રદર્શન સ્થળ છોડવાનો તંત્ર દ્વારા આદેશ અપાયો હતો. લોકોના એક ટોળાએ તેમને અહીંથી ખસી જવા ૨૪ કલાકનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે, આંદોલનને કારણે તેમને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.