(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગત સપ્તાહે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવા અગાઉ કોંગી મોવડીમંડળ સમક્ષ કરેલી માંગણીઓ પૈકી એક રાજ્યસભાની બેઠક પણ હતી તેમને કોંગ્રેસ નેતાગિરી તરફથી કોઈ બાંહેધરી મળી ન હતી. સિંધિયાના કોંગ્રેસ છોડવાના નિર્ણયની અસર પાડોશી રાજ્ય ગુજરાતમાં પણ પડી હતી. જ્યાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યઓએ રાજીનામા ધરી દીધા હોવાના અહેવાલ છે. જેની સીધી અસર ૨૬મી માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પર પડશે. પ્રિવાષિંક ચૂંટણીમાં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્યો ચૂંટશે. ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવારને ૩૭ પ્રથમ પ્રાધાન્યવાળા મતોની જરૂર પડશે. કોંગ્રેસ પાસે ૭૩ ધારાસભ્યો છે. અને એક અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું સમર્થન છે. જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસને ચારમાંથી બે બેઠકો જીતવાની ખાતરી હતી પણ પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ પાસે ૬૮ ધારાસભ્યો છે. આ સંખ્યા બે બેઠકો જીતવા માટે ઓછી છે. અલબત્ત કોંગ્રેસે ભારતીય ટ્રાયબલ પાર્ટી અને એનસીપી તરફથી કુલ ત્રણ મતો મળવાનો દાવો કર્યો હતો.