(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોના અપ્રાકૃતિક મોત મામલે હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે આ મામલાને ગંભીર ગણાવતા જણાવ્યું હતું કે આ ઘણો સંવેદનશીલ મામલો છે તેને સરકાર હળવાશથી ન લે એમ જણાવી ત્રણ અઠવાડિયામાં તમામ પક્ષકારોને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કબૂલાત કરી હતી કે ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહોના મોત થયા છે. જેમાં વર્ષ ર૦૧૬માં ૧૦૪ અને ર૦૧૭માં ૮૦ સિંહો મોતને ભેટ્યા હતા. આમ કુલ ૧૮૪ સિંહોમાંથી ૪ર સિંહોના મોત આકસ્મિક રીતે થયા હતા. આમ સિંહોના મોત મામલે હાઈકોર્ટે ખૂબ જ ગંભીરતા દાખવી સુઓમોટો જાહેરહિતની અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજીના અનુસંધાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે આ મામલાને ગંભીર ગણાવી જણાવ્યું હતું કે, આ ઘણો સંવેદનશીલ મામલો છે. રાજ્ય સરકાર આને હળવાશથી ન લે. સિંહોના મોતના કારણ, તેને રોકવા માટેના પગલાં અને હાલ અમલમાં રહેલી માર્ગદર્શિકાના પાલન અંગે હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને ખાસ ટકોર પણ કરી છે કે આ બાબતે સરકાર માત્ર કરવા ખાતર રિપોર્ટ કરી દે તેવું વલણ ના અપનાવે. સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે સરકાર આ મામલાને ગંભીરતાથી લેશે.