અમદાવાદ, તા.પ
તાજેતરમાં ગુજરાતની આન-બાન અને શાન ગણાતા ગીરના સિંહોના રક્ષણ સામે સવાલો કેગના રિપોર્ટમાં ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે કેગના અહેવાલ બાદ હવે સિંહોના મામલે ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સિંહોને બચાવવા વિવિધ પગલાં ભરવાની સરકારે તૈયારી દર્શાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સિંહોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે ગીરના સિંહોના મોત અને તેમની રક્ષા માટે કેગે ગુજરાત સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે ફરી એકવાર ચર્ચા છેડાઈ હતી કે ગુજરાતના ગીરના સિંહો અન્ય રાજ્યમાં ખસેડવામાં આવશે કે કેમ ? ત્યારે ગીરના સિંહો મામલે ગુજરાત સરકારમાં હિલચાલ શરૂ થઈ છે. જેમાં સિંહોને બચાવવા માટે સરકાર પ્રોજેક્ટ લાયન શરૂ કરશે. જંગલના બહારના રેવન્યુ વિસ્તારોમાં ખુલ્લા કૂવા પર વન વિભાગ પેરાફિટ બનાવશે. જંગલ બહાર વસતા રપ૦ જેટલા સિંહોના ટ્રેકિંગ માટે ટ્રેકર્સની નિયુક્તિ કરાશે. તદ્‌ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં રહેતા રપ૦ જેટલા સિંહોના રક્ષણ માટે ગ્રામ મિત્રોની નિમણૂક કરાશે તેમજ સિંહોની વધતી જતી વસ્તીના લીધે તેમના નવા રહેઠાણ માટે સરકાર વિચારણા કરશે. તેમજ ગેરકાયદે સિંહ દર્શન ઉપર પણ તંત્ર દ્વારા લગામ કસવામાં આવશે. તેવું હાલ જાણવા મળ્યું છે. એટલે કે સિંહોના મામલે કેગે ગુજરાત સરકારનો કાન આમળ્યો એટલે સરકાર સિંહોના મામલે હરકતમાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર ર૦૦પમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના પાલિતાણા, મહુવા, તળાજા, ખાંભા અને સાવરકુંડલાના ગામોથી ૩૦,૧પર હેક્ટર જમીનને સર ધરમકુમાર સિંહજી વન્યજીવ અભ્યારણ્ય તરીકે જાહેર કરવાની સીસીએફ જૂનાગઢ દ્વારા દરખાસ્ત કરાઈ હતી. બાદમાં આ દરખાસ્તમાં સુધારો કરીને ઓગસ્ટ ર૦૦૬માં આ વિસ્તાર ઘટાડીને ૧૧,૧પપ હેક્ટર કરી નખાયો હતો. ફરી જૂન ર૦૦૭માં વધુ ઘટાડો કરીને ૧૦,૯પ૩ હેક્ટર વિસ્તાર કરવામાં આવ્યો હતો. નવેમ્બર ર૦૧૦માં તેમાં વધુ ઘટાડો કરીને કહેવાયું કે અમરેલી જિલ્લાની ૪,૮૧૧ હેક્ટર સરકારી ખરાબાની જમીન વન વિભાગને તબદીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી વનવિભાગે પ્રી સીસીએફને જાણ કરવામાં આવી હતી. સિંહના સંવર્ધનને લઈને કેગ દ્વારા ગંભીર ટિપ્પણી કરાઈ હતી કે સિંહને બચાવવા સરકાર ઉદાસીન છે.