(સંવાદદાતા દ્વારા)
સાવરકુંડલા, તા.૨૬
રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાનનો પારો રાજ્યભરમાં ૪૦ ડિગ્રીને આંબી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં વન્યજીવો પણ ખૂબ અકળાયા છે. જેમાંય મુખ્ય સિંહોને વિશેષ ગરમી થતી હોય છે. ખાસ કરી સિંહો માંસાહારી સિંહો હોવાથી ૪૦ ડિગ્રી તાપમાન સિંહો માટે ખૂબ કપરો સાબિત થાય છે. જેથી આ ગરમી દરમિયાન સિંહો કુદરતી ઠંડો પ્રદેશ શોધી તેમાં આરામ કરતા દિવસે પણ રેવન્યુ વિસ્તારો જોવા મળે છે. ખાસ તો ઉનાળો આવતા જ સિંહોની પાચન શક્તિ ઘટી જતી હોવાથી મારણ પણ સિંહો હાલ ખૂબ ઓછા કરી રહ્યા છે અને રાત્રી દરમિયાન પણ સિંહોએ વિહરવાનું ખૂબ ઓછું કરી દીધાનું વન સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે સિંહોની એક સિક્સ સેંન્સ છે કે, કુદરતી રીતે જે ઠંડી જગ્યાઓ હોય ત્યાં જ એ દિવસ વિતાવે છે અને આરામ ફરમાવે છે ત્યારે સિંહોના જાણકાર ચિરાગ આચાર્ય જણાવે છે કે, સિંહો જ્યાં આરામ કરતા હોય તે જગ્યા પર જાવ તો તે જગ્યામાં કુદરતી ઠંડક જ લાગે છે તે મારો અનુભવ છે તેથી સિંહોને કુદરતી ઠંડી જગ્યાનું સહજ જ્ઞાન હોય છે. જે તેની કુદરતી શક્તિ પણ છે ત્યારે હાલ ગરમીના કારણે જંગલનો રાજા પણ ખૂબ અકળાઈ રેવન્યુ વિસ્તારના ઠંડા વિસ્તારમાં સ્થાઇ થયા છે જેથી વન વિભાગ પણ સિંહોના વિસ્તારોમાં હાલ સતત વોચ રાખી નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા છે.