(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૩
જામનગર નજીકના સિક્કામાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિક દંપતી વચ્ચે શંકાના ઘેરાએ સ્થાન મેળવ્યા પછી ત્રણ વર્ષ પહેલાં પતિએ રાત્રિના સમયે પત્નીને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે પતિને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.રપ હજારનો દંડ ફટકાર્યો છે. જામનગર તાલુકાના સિક્કા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ભગાભાઈ નાનાભાઈ ભુરિયા ઉર્ફે ભગલા ભીલ (ઉ.વ.રપ) ગઈ તા.૧-ર-ર૦૧પની રાત્રે પોતાના ઓરડામાં પત્ની રાધાબેન સાથે સૂવા ગયો ત્યારે તેણે રાધાબેનને હવે અહીં મજૂરીકામ નથી કરવું, આપણે આપણા વતનમાં પરત જતાં રહીએ તેવી વાત કરી હતી, પરંતુ રાધાબેને વતનમાં જવા કરતા અહીં રહીને જ મજૂરીકામ કરવા માટે આગ્રહ રાખતા પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી તેથી અત્યંત ઉશ્કેરાટમાં આવી ગયેલા ભગલાએ પોતાના બન્ને હાથ વડે રાધાબેનનું ગળું દબાવી તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઉપરોકત કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે ફરિયાદી આરોપીના સસરા સહિત કેટલાક લોકોની જુબાનીઓ, પુરાવાઓ તેમજ તબીબની જુબાની રજૂ કરી હતી. અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપી ભગા ઉર્ફે ભગલા નાનાભાઈ આદિવાસીને તકસીરવાન ઠરાવ્યો હતો. આરોપીને આજે ન્યાયમૂર્તિ પી.સી. રાવલે આઈપીસી ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા અને રૂા.રપ હજારનો દંંડ ફટકાર્યો છે.