અમરેલી, તા.૩
અમરેલી જિલ્લામાં ઓછા વજન ધરાવતા અથવા અધૂરા મહિને જન્મેલા બાળકોને સરકાર દ્વારા સિક ન્યુ બોર્ન કેર યુનિટમાં રાખી સારવાર આપવા માટે ખાસ આરોગ્ય યોજના અમલમાં છે જેમાં અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આવા ૭૯૧ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા અને તબદીલ થઇ દાખલ થયેલ બાળકો ૩૧૨ નોંધાયા હતા. જેમાંથી ૨૫ બાળકોનાં સારવારમાં મોત થયા હોવાના આંકડા સામે આવેલ છે ઉપરોક્ત માહિતી કોંગ્રસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કરતા સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આવા બાળકોના દર મહિને ૧ બાળકનું મોત થતું હોવાનું આંકડા ઉપરથી ખ્યાલ આવેલ છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં આજરોજ કોંગ્રેસના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય)ને પ્રશ્નોતરી કરેલ હતી કે, રાજ્યમાં સિક ન્યુ બોર્ન કેર યુનિટમાં (તાજા જન્મેલ બાળકોને આપવામાં આવતી સારવાર)માં છેલ્લા બે વર્ષમાં કેટલા તાજા જન્મેલ બાળકોએ સારવાર લીધેલ છે તેના જવાબમાં જાણવા મળેલ હતું કે, અમરેલી સિવિલ હોસ્પિટલમાં કુલ ૭૯૧ બાળકોને સારવાર આપવામાં આવી હતી તેમજ તબદીલ થઈને દાખલ થયેલ બાળકોની સંખ્યા ૩૧૨ છે તેમજ આવા બાળકોને સારવાર દરમ્યાન ૨૫ બાળકોનાં મોત થયેલ હોવાનું વિધાનસભા ગૃહમાં આપવામાં આવેલ આંકડા ઉપરથી જાણવા મળેલ છે. સરકાર દ્વારા રાજ્ય ભરમાં નવા બાળકો માટે જેવા કે અધૂરા માસે જન્મ થયેલ હોવાથી અથવા દુબળું અને ઓછું વજન ધરાવતા બાળકો માટે સરકાર દ્વારા ખાસ સિક ન્યુ બોર્ન કેર યુનિટની યોજના અમલમાં મૂકી સારવાર આપવામાં આવે છે અમરેલીમાં આવા બાળકનું દર મહિને એક મોત થતું હોવાનું આંકડા ઉપરથી ખ્યાલ આવે છે.