સિડની, તા.૭
વન-ડે શ્રેણી ૨-૧થી ગુમાવ્યા બાદ ટી-૨૦માં ઘાયલ સિંહની માફક ત્રાટકનારી ટીમ ઈન્ડિયાએ ૨-૦થી આ શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચ પૈકીના બે મેચ પૂર્ણ થઈ ગયા બાદ આવતીકાલે શ્રેણીની અંતિમ ટી-૨૦ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બપોરે ૧ઃ૪૦ વાગ્યાથી શરૂ થશે. ‘ઔપચારિક’ મેચમાં કોહલીસેના કાંગારૂંઓના સુપડા સાફ કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. આમ તો પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની સંભાવના નહિંવત્‌ છે છતાં ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખી અમુક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
જે રીતે પ્રથમ બે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ હતી તેને જોતાં એવું લાગી રહ્યું હતું કે, ટી-૨૦માં પણ કાંગારૂંઓનો ગજ વાગશે પરંતુ તેનાથી તદ્દન ઉલટું થવા પામ્યું છે.
હવે આવતીકાલે ત્રીજી ટી-૨૦ મેચ રમાવાની છે ત્યારે તેમાં પણ પાછલી બે મેચ જેવું જ પ્રદર્શન કરીને ૩-૦થી શ્રેણી પોતાના નામે કરવાના મક્કમ ઈરાદા સાથે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. આ પહેલાં ન્યુઝીલેન્ડને પણ તેની જ ધરતી ઉપર ૫-૦થી હરાવી ભારતે ઈતિહાસ રચી દીધો હતો ત્યારે કાલની મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમને તેના જ આંગણે ૩-૦થી હરાવી ફરી એક વખત ધૂમ મચાવવા ભારતના રણબંકાઓ મેદાને ઉતરશે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરવામાં આવે તો બીજા ટી-૨૦માં કેપ્ટન આરોન ફિન્ચ ઉપરાંત ઘાતક બોલર જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક સહિતના ખેલાડીઓ ગેરહાજર હોવાથી તેનો ફાયદો ટીમ ઈન્ડિયાને ભરપૂર મળ્યો હતો. દરમિયાન આવતીકાલની મેચમાં પણ આ ત્રણ ખેલાડીઓ રમે તેવી સંભાવના નહિંવત્‌ હોવાથી ભારતનું પલડું અત્યારથી જ ભારે થઈ ગયું છે.