સિડની, તા.૭
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજથી સિડનીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝ ૧-૧થી બરાબરી પર છે અને બંને ટીમોનો પ્રયાસ આ મુકાબલામાં જીત નોંધાવીને સીરીઝમાં સરસાઈ મેળવવાની રહેશે. આજે રોહિત શર્માએ મેદાન પર વાપસી કરી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ વોર્નર સસ્તામાં આઉટ થયો હતો. આજે સવારે વરસાદ પડવાના કારણે લાંબો સમય સુધી રમત બંધ રહી હતી. બાદમાં લાબુશેન અને પુકોવસ્કીએ કાંગારુની ઇનિંગને સંભાળી હતી. પહેલો દિવસ પૂરો થયો ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ૨ વિકેટ ગુમાવીને ૧૬૬ રન કરી દીધા છે. ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા નવદીપ સૈનીએ ભારતને બીજી સફળતા અપાવી છે. તેણે પુકોવસ્કીને એલબીડબલ્યુ આઉટ કર્યો છે. વરસાદ શરૂ થતાં પહેલા ઓસ્ટ્રેલિયાએ ૭.૧ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૨૧ રન કર્યા. વિલ પુકોવસ્કી ૧૪ અને માર્નસ લાબુશેન ૨ રન કરીને ક્રીઝ પર છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી.