સિદ્ધપુર, તા.૧
શ્રમ અને રોજગારમંત્રી દિલીપસિંહ ઠાકોર, રાજ્ય જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, પૂર્વ રાજ્યસભા સાંસદ દિલીપભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રાંત ડૉ.સુપ્રિયાબેન ગાંગુલી, શંભુભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, મનિષભાઈ આચાર્ય, જશુભાઈ પટેલ, એસટી પાલનપુર વિભાગીય નિયામક જે.એસ.સોલંકી, એસટીના અધિકારીઓ તેમજ સિદ્ધપુર પંથકના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ માં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ સંબોધન કરી નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે.
૨૦૨૧ના વર્ષેના પ્રથમ દિવસે રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગે સિદ્ધપુરના મુસાફરોની જૂની માગણી સામે નવા એસટી સ્ટેશનની ભેટ આપી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ પ્રસંગે ઉદ્‌બોધનમાં રાજ્ય સરકાર તમામ ક્ષેત્રોમાં સતત વિકાસ માટે કાર્યરત હોવાનું અને તેનો લાભ ગરીબ અને લાભાર્થી જનતાને આપવા કૃતનિશ્ચયી હોવાનો પુનઃરોચ્ચાર કર્યો હતો. એસટી દ્વારા સારી બસો, સારા બસ સ્ટેશનો અને સલામત યાત્રાની સેવાઓમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા ૧૦૦૦ નવી બસોની ખરીદી થઈ રહી છે સાથે ૫૦ નવી ઈલેક્ટ્રીક બસો પણ ખરીદાશે. એસટી વિભાગ દ્વારા વિશ્વકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ગુજરાતમાં માળખુ તૈયાર થઈ રહ્યું છે જેનો લાભ રાજ્યના લાખો મુસાફરો લઈ રહ્યા છે.
લોકાર્પણ માટે સિદ્ધપુર આવેલા મંત્રી દિલીપસિંહ ઠાકોરે તેમના ઉદ્‌બોધનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યની તમામ બસોનું જીપીએસ મોનિટરિંગ કરવામાં આવે છે, તેમ જણાવી સરકારની ગુડ ગવર્નન્સની ઈચ્છાશકિતનો નિર્ધાર દોહરાવ્યો હતો.
૪૪૩.૧૧ લાખના ખર્ચે બનેલ સિદ્ધપુરના બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત ૭મી માર્ચ ૨૦૧૯ના રોજ કરવામાં આવ્યું હતું. સમયમર્યદામાં બનીને તૈયાર બસ સ્ટેશનનું આજે તા.૧/૧/૨૦૨૧ના રોજ લોકાર્પણ કરાયું છે.
કાર્યક્રમને સફળ બનાવવા ડીએમઈ સોલંકી, સિદ્ધપુરના ઈન્ચાર્જ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી, જુ.આ. ભગવતીબેન પટેલ દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી હતી.