પાટણ,તા.૧૩
ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે તા.૪ એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલા સિદ્ધપુરની તમન્ના સોસાયટીના ૫૨ વર્ષિય પુરૂષ તથા તા.પ એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલા નેદરા ગામના અનુક્રમને પ૧ વર્ષિય, ૪૩ વર્ષિય અને રર વર્ષિય પુરૂષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આ તમામ દર્દીઓને ધારપુર હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર બાદ સરકારની ગાઈડલાઈન મુજબ ૭ દિવસ બાદ ર૪ કલાકના અંતરે લેવામાં આવેલા આ ચાર વ્યક્તિઓના કોવિડ-૧૯ના ટેસ્ટ સેમ્પલ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જેને કારણે દર્દીઓમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર દર્દીઓએ હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સેવાની સરાહના કરી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોવિડ-૧૯ને હંફાવી સાજા થયેલા ચારેય વ્યક્તિઓને હાલમાં સાત દિવસ સુધી સિદ્ધપુર તાલુકાના દેથળી ખાતે આવેલી સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલા ગવર્મેન્ટ ક્વોરન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમને પોતાના ઘરે જવાની રજા આપવામાં આવશે.