(એજન્સી) કૈરો, તા.ર૦
સિનાઈ પેનિન્સુલામાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં ૪ સૈનિકો શહીદ થયા છે, જ્યારે ૩૬ આતંકીઓ ઠાર મરાયા છે. તેમ ઈજિપ્તિયન લશ્કરે જણાવ્યું હતું. સોમવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, ચાર સૈનિકોમાંથી એક લશ્કરી અધિકારી હતા અને આ યુદ્ધમાં બે અધિકારીઓ સહિત આઠ સૈનિકો ઘાયલ થયા છે. હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન ૪૦૦ જેટલા હથિયારો અને યુદ્ધ સામગ્રીઓનો નાશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ૯૩ જેટલા વિસ્ફોટકોને ડિફ્યુઝ કરવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન ૩૪પ શંકાસ્પદ આતંકીઓ અને ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક મહિના અગાઉ ઈજિપ્ત દ્વારા મોટાપાયે જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં અત્યાર સુધીમાં ર૦ સૈનિકો શહીદ થયા છે. ઈજિપ્ત એક વર્ષથી આતંકીઓ સામે લડી રહ્યું છે.