અમદાવાદ,તા. ૨૩
વીમા કંપનીઓ ઉપજાવી કાઢેલા વિવિધ કારણો અને ટર્મ્સ એન્ડ કન્ડીશનના કલોઝનું અયોગ્ય અને મનસ્વી અર્થઘટન કરી ઇન્શ્યોર્ડ દર્દીઓના મેડિકલ ખર્ચાઓના દાવાઓ નકારતી હોય છે ત્યારે અમદાવાદ શહેર મુખ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમે એક બહુ મહત્વનો અને રાજયના અન્ય ગ્રાહકો માટે લાભકારી ચુકાદો આપી એક સિનિયર સીટીઝન મહિલાને ઓપરેશનની સારવારના ખર્ચની કુલ રૂ.૨,૬૩,૨૪૯ રકમ વળતર તરીકે ફરિયાદ તા.૫-૧૧-૨૦૧૫થી ૯ ટકા ચઢતા વ્યાજ સાથે ચૂકવી આપવા ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિ.ને ફરમાન કર્યું છે. આમ, ફોરમે સિનિયર સીટીઝન મહિલાને વ્યાજ સાથે કુલ રૂ.૩,૩૦,૫૦૦ની ચૂકવવાની જવાબદારી ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિ.ના માથે નિશ્ચિત કરી છે. આ ચુકાદાને આવકારતાં સમગ્ર કેસમાં બહુ મહત્વની લડત આપનાર ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, શહેર ગ્રાહક તકાર નિવારણ ફોરમનો આ ચુકાદો એક યા બીજા પ્રકારે ઇન્શ્યોર્ડ દર્દીઓના વીમાઓના દાવા નકારતી વીમા કંપનીઓના કિસ્સામાં પણ ઘણો માર્ગદર્શક બની રહેશે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા સિનિયર સીટીઝન મહિલાને ઝડપી અને અસરકારક ન્યાય અપાવવા માટે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જણાવાયું હતું કે, અરજદાર ફરિયાદી સિનિયર સીટીઝન મહિલા માલવિકા અમીન અને તેમના પતિ મૈત્રેય એસ.અમીન ઉતરાયણ દરમ્યાન સ્કુટર પર જઇ રહ્યા હતા ત્યારે અચાનક જ ફરિયાદીના પતિના ગળામાં પતંગની દોરી આવતાં સ્કુટર ઉભુ રાખવા જતાં બંને સિનિયર સીટીઝન દંપતિ નીચે પડી ગયા હતા. જેમાં ફરિયાદી મહિલાને ડાબા પગના થાપાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તા.૨૨-૧-૨૦૧૫ના રોજ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જયાં તેમનું પ્રથમ ઓપરેશન કરાયું હતુ પરંતુ વીમાકંપનીએ મેડિકલ ખર્ચાઓની રકમ કુલ રૂ.૧,૯૭,૧૮૪ ચૂકવવાના બદલે અધૂરી અપૂરતી રકમ ચૂકવી રૂ.૨૮,૮૩૬ કાપી નાંખ્યા હતા. એ પછી ફરિયાદી મહિલાનું બીજું ઓપરેશન કરવાની ફરજ પડી હતી, તેમાં પણ રૂ.૨,૪૪,૪૧૩નો ખર્ચ થયો હોવાછતાં વીમાકંપનીએ ટર્મ્સ એન્ડ કન્ડીશનનો હવાલો ટાંકી તેમનો દાવો નકારી કાઢયો હતો. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે બહુ તર્કબધ્ધ અને ન્યાયોચિત દલીલો કરતાં ફોરમનું ધ્યાન દોર્યું હતું કે, ફરિયાદી મહિલાની સર્જરી કરનાર તબીબે જ મેડિકલ સર્ટિફિકેટ આપી પ્રથમ ઓપરેશન થયાના છ મહિના બાદ જ બીજુ ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. કારણ કે, ફરિયાદી મહિલા સિનિયર સીટીઝન હતા અને તેમની સારવાર કે આગળની સર્જરીમાં બીજા કોઇ કોમ્પલીકેશન્સ ના આવે. તેથી ફરિયાદીએ તબીબી સલાહ અનુસાર જ પ્રથમ ઓપરેશનના અનુસંધાનમાં જ બીજુ ઓપરેશન કરાવ્યું છે, તેથી તેમાં એજ રિલેટેડ કે ત્રણ વર્ષનો વેઇટીંગ પિરિયડનો મુદ્દો પ્રસ્તુત ઇન્શ્યોર્ડ દર્દીને લાગુ જ ના પડી શકે. વીમા કંપનીઓ ટર્મ્સ એન્ડ કન્ડીશનના મનસ્વી અને અયોગ્ય અર્થઘટન કરી દાવાની ચૂકવણીમાંથી છટકી શકે નહી. વાસ્તવમાં આમ કરી વીમા કંપનીઓ અનફેર ટ્રેડ પ્રેકટિસ આચરી રહી છે. ફરિયાદી તરફથી સમિતિના પ્રમુખ મુકેશ પરીખની આ મહત્વની દલીલો સ્વીકારી ફોરમના પ્રમુખ એલ.એસ.રબારી, સભ્યો એચ.જે.ધોળકીયા અને વી.એ.જેરોમે ફરિયાદ મંજૂર કરી ઉપરમુજબ બહુ મહત્વનો ચુકાદો જારી કર્યો હતો.