સિનિયર સિટીઝન દર્દીઓની પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ, તા.૨૭
હવેથી રાજ્યના તમામ જિલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા કોર્પોરેશન હસ્તક અર્બન હેલ્થ સેન્ટરો ખાતે વયોવૃદ્ધો(સિનિયર સિટીઝન)ને સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને ઓપીડીથી માંડી હોસ્પિટલમાં દાખલ થવા સુધીની પ્રક્રિયામાં સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા કરવાનો આરોગ્ય વિભાગે આદેશો કર્યા છે. રાજય સરકારના આ નિર્ણયને પગલે સિનિયર સિટીઝન નાગરિકોમાં ભારે રાહતની લાગણી ફેલાવા પામી છે. રાજય સરકારના મહત્વના નિર્ણય મુજબ, સિનિયર સિટીઝનો માટે તમામ સરકારી હોસ્પિટલો તથા અન્ય આરોગ્ય કેન્દ્રો પરના ઓ.પી.ડી. સમય દરમિયાન સિનિયર સિટીઝનો માટે દરરોજ ૧૧-૦૦થી ૧૨-૦૦ વાગ્યાનો ખાસ સમય ફાળવવાનો રહેશે. માત્ર એટલું જ નહીં આ સ્થળે પ્રાદેશિક ભાષાનું અલગ બોર્ડ પણ રાખવું પડશે. તેની સાથે સાથે સિનિયર સિટીઝનો માટે કેસ બારીની જગ્યા અલગ લાઈનની વ્યવસ્થા પણ કરવી પડશે. જ્યાં પણ પ્રાથમિક સમજણ માટે પ્રાદેશિક ભાષાનું બોર્ડ રાખવું પડશે. આ ઉપરાંત સિનિયર સિટીઝનો માટે અલગ વોર્ડ ઉભો કરવો પડશે. જો તેમ શક્ય ન હોય તો તેમના અલગ ૫ાંચ પથારીની વ્યવસ્થા કરવાની રહેશે. સરકારના આ મહત્વના આદેશોને પગલે હવે તમામ સરકારી હોસ્પિટલ અને કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરોમાં સિનિયર સિટીઝનોને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવા માટે ખાસ ઓપીડી અને અલગ વોર્ડ ઉભા કરવાની દિશામાં તાત્કાલિક તજવીજ હાથ ધરાઇ છે. સરકારના આ નિર્ણયને પગલે રાજયના સિનિયર સિટીઝનો નાગરિકોમાં ભારે રાહતની લાગણી ફેલાઇ છે. સિનિયર સિટીઝન નાગરિકો દ્વારા તેમને અપાનારી સારવાર ઝડપી અને અસરકારક રહે તે જોવા ખાસ મોનીટરીંગ સીસ્ટમ ગોઠવવા પણ માગણી કરાઈ હતી.