(એજન્સી)                 તા.૯

સિવિલ સર્વિસિઝ બ્રિટિશ યુગથી જ ભારતમાં એક મજબૂત ક્ષેત્ર મનાય છે જે સરકારમાં મહત્ત્વપૂર્ણ પદોને સાંકળી લે છે. જો કે, વૈશ્વિકરણના ઝડપથી બદલાતા યુગમાં સિવિલ સર્વિસનું મહત્ત્વપૂર્ણ વારસો યથાવત્‌ જ છે. ૧૯૪૭માં ૯૮૦ જેટલાં આઈસીએસ અધિકારીઓ હતા.

આ અધિકારીઓ પૈકી ૪૬૮ યુરોપિયન, ૩૫૨ હિન્દુઓ, ૧૦૧ મુસ્લિમો તથા બાકીના અન્ય સમુદાયના હતા. જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે મોટાભાગના યુરોપિયન અધિકારીઓ ભારત દેશ છોડીને જતા રહ્યાં. જોકે ઘણાં હિન્દુઓ અને મુસ્લિમો ભારત અને પાકિસ્તાન તરફ વળી ગયા. જોકે આપણે જોઈ રહ્યાં છીએ કે દેશના ભાગલા પથયા બાદથી સિવિલ સર્વિસિઝમાં મુસ્લિમોની ભાગીદારી ઘટતી જઇ રહી છે. ૪ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસિઝ એક્ઝામિનેશન ૨૦૧૯ના પરિણામ જાહેર કર્યા હતા. તેમાં તમામ ૮૨૯ ઉમેદવારો દેશના જુદા જુદા ભાગોમાંથી પસંદગી પામ્યા હતા.

આ યાદીમાં ૪૫મું ક્રમ મેળવનારી સફતા નઝરૂદ્દીન મુસ્લિમ હતી. તે યુપીએસસી ક્રેક કરનારા ટોપ ૧૦૦ ઉમેદવારોમાં એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે. જોકે કુલ સફળ થયેલા મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા ૪૨ જેટલી છે. દેશમાં સિવિલ સર્વિસિઝની પરીક્ષા અત્યંત પ્રતિષ્ઠિત પરિક્ષા મનાય છે.

દર વર્ષે આશરે ૧૦થી ૧૨ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપે છે અને ફાઈનલ રેન્ક લિસ્ટમાં સામેલ થવા માટે હરીફાઈ કરે છે.

ગત વર્ષે ૨૮ જેટલા મુસ્લિમ ઉમેદવારોની પસંદગી થઈ હતી. તેમને ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો તે ફક્ત ૩.૬ ટકા જ હતા. ૨૦૧૬ની બેચની વાત કરીએ તો ઈતિહાસમાં પ્રથમ વખત યુપીએસસીમાં ૫૦ મુસ્લિમ ઉમેદવારો એકસાથે સફળ થયા હતા. તેમાં પણ મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે ટોપ ૧૦૦માં મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા ૧૦ હતી.

જો કે, ચાલુ વર્ષે સીએસઈમાં પસંદગી પામનારા મુસ્લિમ ઉમેદવારોની ટકાવારી ફક્ત ૫ ટકા જેટલી જ છે. જોકે દેશમાં મુસ્લિમોની વસતી ૧૪ ટકા જેટલી છે. જોકે તેમાંથી ફક્ત ૫ ટકાની પસંદગી થવી તે શરમજનક બાબત હોઈ શકે છે. આ ભરતીમાં મુસ્લિમોની ઓછી ટકાવારીના બે મૂળ કારણો છે.

પ્રથમ તો એ કે મુસ્લિમ સમુદાય જ એક એવો સમુદાય છે જેમાં નિરક્ષરતાનો દર અન્ય સમુદાયના લોકોની તુલનાએ સૌથી વધુ છે. જે આશરે ૪૨ ટકા જેટલો થાય છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પણ ડ્રોપઆઉટ રેટ મુસ્લિમોમાં જ સૌથી વધુ છે. એ પણ અન્ય સમુદાયોની તુલનાએ.

બીજું કારણ એ કે સચર કમિટીના અહેવાલ અનુસાર ૨૦૦૩ અને ૨૦૦૪માં ફક્ત ૪.૯ ટકા મુસ્લિમ ઉમેદવારોએ જ પરિક્ષા આપી હતી. તેઓ સિવિલ સર્વિસિઝની લેખિત પરિક્ષામાં સામેલ થયા હતા. જો કે ત્યારે દેશમાં મુસ્લિમોની વસતી ૧૩.૪ ટકાની આજુબાજુ હતી. જોકે ત્યારે મુસ્લિમોનો સક્સેસ રેટ અન્ય સમુદાયના લોકોની તુલનાએ સમાનાંતરે જ હતો. જોકે મુસ્લિમોની ભાગીદારી ખૂબ જ ઓછી હોવી તે ચિંતાનો વિષય હતો.