અમદાવાદ,તા.૧પ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ધર્મ અને જાતિના આધારે અલગ-અલગ વોર્ડમાં રાખવામાં આવે છે તેવા સમાચાર પ્રકાશિત થયા હતા. તેને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.જી.એચ. રાઠોડે પાયાવિહોણા ગણાવી આ સમાચાર તદ્દન મોટા હોવાનું જણાવ્યું હતું. આ અંગે ડો.જી.એચ. રાઠોડે લેખિતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તાજેતરમાં ઊભી કરવામાં આવેલી ૧ર૦૦ બેડની કોવિડ-૧૯ આઈસોલેશન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને તેમની કંડિશન પ્રમાણે કોરોના માટે શંકાસ્પદ કે પોઝિટિવ ટેસ્ટના આધારે મહિલા અને પુરૂષ અને બાળકો તેમજ ક્રીટીકલ કે સીરીયસ કંડીશન પ્રમાણે તેમનામાં પહેલેથીજ મોજુદ કોઈ કો-મોર્બિડ કંડીશન એટલે કે ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કીડનીની બીમારી, હાર્ટ બીમારી વગેરેને ધ્યાને લઈ સારવાર કરનાર ડોક્ટર સાથે પરામર્શ કરી તેમના અભિપ્રાય પ્રમાણે અલગ-અલગ વોર્ડમાં વ્યવસ્થાના ભાગરૂપે દર્દીના હિતમાં રાખવામાં આવે છે. આ હોસ્પિટલ ખાતે કોઈપણ દર્દીઓને ધર્મ કે જાતિના આધારે અલગ રાખવામાં આવતા નથી. કેટલાક ન્યુઝ પેપરમાં મને ક્વોટ કરીને આ પ્રકારની ખોટી માહિતી પ્રસિદ્ધ થઈ છે કે, ધર્મના આધારે વોર્ડ બનાવવામાં આવેલ છે. તે રિપોર્ટ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે અને તેનું હું ખંડન કરૂં છું અને ફરીથી દોહરાઉ છું કે તમામ નિર્ણયો દર્દીઓના હિતમાં ઉપર જણાવ્યા મુજબ તેમની મેડિકલ કંડીશનને આધારે બનાવીને લેવામાં આવે છે એમ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.જી.એચ. રાઠોડે જણાવ્યું હતું.