(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૭
અમદાવાદની સિવિલ હોસ્પિટલ મોતની હોસ્પિટલ બની રહી હોય તેમ સારવાર દરમિયાન મૃત્યુની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. હોસ્પિટલ સ્ટાફની બેદરકારી, નિષ્ક્રિયતા, લાલીયાવાડીની ફરિયાદો એ હદે ઉઠી છે કે હાઈકોર્ટે પણ દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. આ ઓછું હોય તેમ દર્દીનું મોત થયા બાદ પણ કલાકો સુધી તેમના સગાને જાણ ન કરાતી હોવાની વાત સામે આવી છે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે જેમાં નીચે લખાણમાં લખાયું છે કે, સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો ખાસ જુઓ. આ વીડિયોમાં હોસ્પિટલના બિછાને એક મહિલા દર્દી પલંગ પર પોઢેલી હાલતમાં દર્શાવાયા છે. આ મહિલા દર્દીનું નામ નઝમાબીબી હોવાનું કહેવાય છે. જેમાં મહિલાનો પુત્ર વોર્ડમાં વીડિયો ઉતારતો દેખાય છે તે ત્યારબાદ તે ડૉક્ટરને બોલાવે છે અને પ્રશ્ન કરે છે કે તમે મારી માતાને વેન્ટીલેટર કોને પૂછીને લગાવ્યું. આ પુત્ર ડૉક્ટરને નિયમ બતાવે છે અને કહે છે કે, દર્દીને વેન્ટીલેટર પર મૂકતા પહેલાં તેમના સગાને જાણ કરવી પરંતુ તમે કોઈ જાણ કરી નથી. તમે વેન્ટીલેટર પણ એ રીતે પરાણે લગાડ્યું છે કે દર્દીને લોહી ખૂબ વહી ગયું છે. તેના લીધે જ મમ્મીનું મોત નિપજ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. જો કે, આ મહિલાના પુત્રના પ્રશ્નના મારા સામે હાજર ડૉક્ટર ગે..ગે ફે..ફે થઈ જાય છે. મૃતકના પુત્રએ ડૉક્ટરને નામ આપવાનું કહ્યું તો ડૉક્ટરે કંટ્રોલરૂમમાંથી મેળવી લે તેમ જણાવ્યું. એ ડૉક્ટરનું નામ બતાવતા નથી અને એક ડૉક્ટર બીજા ડૉક્ટર પર જવાબદારી ઢોળી છટકવાનો પ્રયાસ કરે છે.