અમદાવાદ,તા.૧૧
પોસ્ટ લેમિનકટોમી સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી બીમારીથી પીડાતી રાજસ્થાનના જોધપુરમાં રહેતી ૧ર વર્ષની કિશોરી પર અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ કરોડરજજુની સફળ સર્જરી કરી નવજીવન આપ્યું છે. સલોની નામની આ કિશોરીના પીઠના ભાગે ૯પ ડિગ્રી અંશે ખુંંધ નિકળતા તેના કરોડરજજુ પર દબાણ સર્જાતા છેલ્લા છ મહિનાથી તે પથારીવશ હતી, હવે સલોનીના કરોડરજજુ પરનું દબાણ દૂર થતા સરળતાથી હલનચલન કરી શકે છે.
સલોની જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના પીઠના મણકામાં ગાંઠ થઈ હતી જેને મેડીકલ ભાષામાં “ઓસ્ટિઓકોન્ડ્રામા” બીમારી કહેવાય છે જે માટે ન્યુરોસર્જન દ્વારા “લેમિનેક્ટોમી” ઓપરેશન કરવામાં આવ્યુ હતું. ઓપરેશનમાં મણકાના જે ભાગમાં ગાંઠ હતી તેની ઉપરનું અને નીચેનું સ્તર નિકાળી દેવામાં આવ્યું હતુ તે સમયે સલોની પીડામુક્ત થઇ હતી પરંતુ સર્જરી કર્યા બાદ ફિક્સેશન ન કરવાના પરિણામે સાત વર્ષ દરમિયાન ધીમે-ધીમે તેની ખુંધ વધતી ગઈ. સલોનીની ઉંચાઈ અને શરીરનો વિકાસ થતાં મણકા તથા કરોડરજ્જુમાં વિકૃતિ આવતાં તેની ખુંધ ૯૫ ડિગ્રી અંશે વધી ગઈ હતી. જે વિકૃતિને કારણે કરોડરજ્જુ ઉપર દબાણ સર્જાતાં તે પગના હલનચલનના નિયંત્રણ પર અસર થતા તે સંપૂર્ણપણે પથારીવશ થઈ હતી. સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શનનું ઓપરેશન ખૂબજ જટિલ હોય છે. આ પ્રકારના ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ ગંભીર થઈ શકે છે છતાં અનેક પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં પણ ખૂબ જ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતા સલોનીના પિતા દિપકભાઈએ પ્રથમ જોધપુરની એઈમ્સ હોસ્પિટલનો સંપર્ક કરતાં તેઓએ પણ આ પ્રકારની સર્જરી માટે ના પડી દીધી હતી. ત્યારબાદ તેઓએ અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કર્યો જ્યાં આ ઓપરેશનનો ખર્ચ પાંચ લાખથી વધુ જણાવવામાં આવ્યો હતો. આર્થિક ભીંસનો સામનો કરી રહેલા દિપકભાઇ માટે આટલી ખર્ચાળ સર્જરી ચિંતાનો વિષય બની ગઈ છેલ્લે તેઓ સલોનીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.
દિપકભાઈ લાગણીસભર શબ્દોમાં જણાવે છે કે “ દસ દિવસ પહેલાં જ્યારે હું મારી દિકરીને લઈને સિવિલમાં આવ્યો ત્યારે મને આશા નહોતી કે આટલી ઝડપથી સાજી થઈ જશે. સફળ સર્જરી કરવા માટે હું સિવિલના તબીબો અને અન્ય મેડીકલ સ્ટાફનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તદ્દન નજીવા ખર્ચે ઓપરેશન કરવામાં આવ્યું છે”.