ભાવનગર,તા.૪
ભાવનગર જિલ્લાના સિહોરનાં પાંચવડા ગામે ગઈકાલે સોનગઢની પોલીસે એક વાડીમાં આવેલ ઓરડી ઉપર દરોડો કરતા પોલીસને વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવતા આ ઓરડીના માલિક બહાદુરસિંહ હરિસિંહ ગોહિલની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો લાવનાર સોનગઢનો પ્રદિપ ધરમશી પરમારને પોલીસે ફરાર જાહેર કર્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર સિહોરનાં પાંચવડા ગામેથી સોનગઢના ઈન્ચાર્જ પીએસઆઈ અને સિહોર પોલીસ સ્ટેશનનાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.આઈ. સોલંકી અને તેમનાં સ્ટાફે ગઈકાલે પાંચવડા ગામે આવેલ એક વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૭૭૬ બોટલ કબ્જે કરી હતી અને ઘટનાસ્થળ ઉપરથી બહાદુરસિંહ હરીસિંહ ગોહિલની ધરપકડ કરી હતી અને આજે આરોપી બહાદુરસિંહને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ માંગશે. તેમ જાણવા મળેલ છે.