(સંવાદદાતા દ્વારા)
મોરબી,તા.૧
વાંકાનેરથી રાજકોટ તરફ જતા રોડ પર સીંધાવદર ગામની નજીક આવેલ જેટકોના સબસ્ટેશન પાસે ઇકો અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં રાજકોટ હોસ્પિટલે દવા લઈને પરત સિંધાવદર આવી રહેલ ઇરફાન હુસેનભાઈ પરાસરા અને તેમના ભાભી હુસેનાબેન શાહબુદ્દીનભાઇ પરાસરાને વાંકાનેર તરફથી પૂરઝડપે આવી રહેલ ઈકો એ હડફેટે લીધા હતા. જેમાં હુસેનાબેન પરાસરાનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું જ્યારે ઇરફાનભાઈ પરાસરાને સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવેલ અને ત્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.
આમ, સીંધાવદરમાં એક જ ઘરમાં બે મૃત્યું થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મૃતક ઇરફાન હુસેનભાઈ પરાસરા મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરાના કૌટુંબિક ભત્રીજા થાય છે. આ અકસ્માતની જાણ થતાં જ ગુલામભાઇ પરસરા, ધારાસભ્ય મહંમદ જાવેદ પિરઝાદા અને અન્ય સામાજિક અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા.