ગુજરાત સીઆઈડી ક્રાઈમમાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હાજી ઝફરખાન બહેલીમનું સારવાર દરમ્યાન શનિવારના રોજ જુહાપુરાની આમેનાખાતુન હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. ઝફરખાન બહેલીમ ખૂબ જ પ્રામાણિક, બિનવિવાદાસ્પદ અને માયાળુ પ્રકૃતિના અધિકારી હતા. બે વર્ષ અગાઉ તેમને સબ ઈન્સ્પેકટરમાંથી પ્રમોશન મળતા ઈન્સ્પેકટર બન્યા હતા. પી.આઈ. બન્યા બાદ તેમને પ્રથમ વડોદરા પોલીસ કમિશનરના રીડર તરીકે મુકવામાં આવ્યા હતા, ત્યાર બાદ બદલી થતા હાલ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા. ઝફરખાન બહેલીમને ત્રણ દિવસ અગાઉ શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે રાત્રે તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ શનિવારે સવારે તેમની તબિયત લથડતા મૃત્યુ નીપજયું હતું. ઝફરખાન બહેલીમના નિધનથી પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી, તેમને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઈન્સેટ તસવીર હાજી ઝફરખાન બહેલીમની છે.