અમદાવાદ, તા.૧૪
મોડાસાના સાયરા ગામની દલિત યુવતીનાં મોત પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા બે આરોપીઓને ક્લિનચીટ તથા મુખ્ય આરોપી સામે આપઘાત કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધવા તથા યુવતીએ આત્મહત્યા કરી હોવાનો રિપોર્ટ આપતા તેના દલિત સમાજમાં ઘેરા પડઘાં અને પ્રત્યાઘાત પડ્યા છે. આ અંગે દલિતોએ આ રિપોર્ટ રાજકીય દબાણ હેઠળ અને નાણાકીય જોરે આરોપીઓને બચાવવાનો હિન પ્રયાસ કરાયાનો આક્ષેપ કર્યો છે. ગુરૂવારે સીઆઈડી ક્રાઈમે સાયરા ગામે દલિત યુવતીનાં મોત પ્રકરણમાં પોતાના રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, યુવતીએ આત્મહત્યા કરી હતી તથા બે આરોપીને ક્લિનચીટ આપી હતી તથા મુખ્ય આરોપી બિમલ ભરવાડ સામે આપઘાત કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધવા અરજી કરવા જણાવ્યું હતું. આ રિપોર્ટના દલિત સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. આ અંગે દલિત સેનાની ગુજરાત પ્રદેશના પ્રમુખ ડાહ્યાભાઈ પરમાર તેમજ મુખ્યસચિવ જયંતી ઉસ્તાદે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેટલાક શ્રીમંત પરિવારના નબીરાઓ પહેલી જાન્યુઆરીએ યુવતીનું બળજબરીથી અપહરણ કરી લઈ ગયા હતા અને તા. પાંચમીએ રહસ્યમય હાલતમાં તેની સાયરા ગામના વડના વૃક્ષની ડાળીએ ગળેફાંસો આપી મારી નાખવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવતી પાંચ દિવસ કયા હતી, તેના કોઈપણ જવાબો પોલીસ પાસે નથી. દલિત સેના દ્વારા મોડાસા ખાતે ધરણાના કાર્યક્રમનું આયોજન કરાશે. આ કેસને કેન્દ્રીય મંત્રી સંસ્થાના સ્થાપક રામવિલાસ પાસવાન તેમજ દલિત સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ લોજપાના તમામ એમપી સમક્ષ લઈ જવાશે અને સંસદમાં આ કેસની તપાસની માંગ કરાશે. દલિત સેના ગુજરાતનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં રૂબરૂ મુલાકાત માંગી વડાપ્રધાન અને ગૃહમંત્રીને રજૂઆત કરી ન્યાયની માગણી કરશે.