સિનિયર ડૉક્ટરો ICUમાં રહેલા દર્દીઓની દિવસમાં બે વાર વિઝિટ કરે

અમદાવાદ, તા.૩
મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં કોરોનાના કેસો અને મૃતકોની સંખ્યામાં ઉછાળો આવતા રાજ્યનું આરોગ્યતંત્ર દોડતું થયું છે. ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લઈ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દાખલ દર્દીઓ સાથે વાતચીત કરી હતી. સાથે-સાથે તબીબીને તેમણે સૂચન કરતા આઈસીયુમાં રહેલા દર્દીઓની સિનિયર ડૉક્ટરો દિવસમાં બે વખત વિઝિટ કરે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકે અને લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે સરકારની નેમ છે, આ માટે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ધન્વંતરિ રથની સાથે સર્વેલન્સની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટમાં કોરોના સંક્રમણને અટકાવવા હાથ ધરાયેલા આ પ્રયાસોને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૦૪ની સુવિધા સાથે સંજીવની રથ દ્વારા ઘરે રહી સારવાર લઈ રહેલા લોકોના ઘરે જઈને તેની વિનામૂલ્યે તબીબી તપાસ અને સારવાર પણ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલમાં જાનની પરવા કર્યા વગર દિવસ-રાત લોકોની સેવા કરી રહેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા તબીબો અને આરોગ્ય કર્મીઓને તેમના કાર્ય બદલ અભિનંદન પાઠવી આઈ.સી.યુ.માં રહેલા દર્દીઓની દિવસમાં બે વખત સિનિયર ડૉક્ટરો દ્વારા વિઝિટ કરવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત કરાવતા ડૉક્ટર સંજય કાપડિયાએ હોસ્પિટલમાં ઉપસ્થિત સુવિધાઓ જેવી કે, વેન્ટિલેટર, ઓક્સિજન, બેડ વગેરેની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમને અપાતી સારવાર બાબતની વિસ્તૃત વિગતો આપી હતી. આ તકે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમને મળી રહેલ સારવાર સંબંધે પૃચ્છા કરતાં દર્દીઓએ તેમને મળતી સારવાર બાબતે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.