અમદાવાદ, તા.૬
ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રકોપ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શહેરના CTM વિસ્તારના એક ફ્લેટમાંથી ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવતા અહીં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ-વડોદરા હાઈવે પર CTM વિસ્તારમાં આવેલા ન્યૂ વૈકુંઠ ફ્લેટમાં એક જ પરિવારના ૧૦ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે આ ફ્લેટને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફ્લેટમાં નોટિસ લગાવી ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.ના જણાવ્યા પ્રમાણે, હાલ શહેરમાં ૯૯ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમા છે. જેમાં બીજા નવા ૧૧ વિસ્તારોને પણ જોડવામાં આવ્યા છે. આ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ કોરોનાના લક્ષણો જણાશે, તો તેમના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને ૨૧,૮૯૨ પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધી ૧૪૮૩ લોકોને જીવલેણ વાઈરસ ભરખી ગયો છે.