(એજન્સી) ઈસ્લામાબાદ,તા. ૧૩
પાકિસ્તાનને તેની નાપાક હરકત માટે આકરી કિંમત ચુકવવી પડશે તેવી સંરણક્ષ મંત્રી નિર્મલા સીતારમણની ટીપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં પાકિસ્તાને એવું કહ્યું કે કોઈ પણ પ્રકારના ભારતીય આક્રમણને યોગ્ય જવાબ આપવામાં આવશે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખુરામ દસ્તગીર ખાને કહ્યું કે ભારતે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર પાકિસ્તાન પર આક્ષેપબાજી કરવામાંથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન સામેના રાજ્ય પ્રાયોજિત જાસૂસીકાંડ પર ભારતે જવાબ આપવો જોઈએ. ખાને કહ્યું કે જો ભારત કોઈ દુષ્ષાહસ કરવાનો પ્રયાસ કરશે તો તેને તેની ભાષામાં જવાબ આપવામાં આવશે. કોઈ પણ ભારતીય આક્રમણ, નીતિગત ખોટી ગણતરી, અથવા તો નાપાક હરકત, તેનો વ્યાપ, મોડ કે સ્થળની ગણતરીમાં ન લેતા તેની પર જવાબ વાળવામાં આવશે અને તેને તેના જેવો જ જવાબ આપવામાં આવશે. આ પહેલા સુંજવાન લશ્કરી છાવણી પર થયેલા હુમલાના આક્ષેપોનો ઈન્કાર કરતાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક બયાન જારી કરીને કહ્યું કે ભારતીય પક્ષ કાયમી રીતે યોગ્ય તસાપ કર્યા વગર બેજવાબદાર વિનેદન આપીને નિરાધાર આક્ષેપબાજી કરતો રહ્યો છે. પાકિસ્તાને આક્ષેપ કર્યો કે કાશ્મીરમાં ચાલી રહેલા શસસ્ત્ર વિદ્રોહને કાબૂમાં કરવાની કોશિશોમાં કરવામાં આવી રહેલી ક્રૂરતામાંથી ધ્યાન હટાવવા માટે ભારત આવી આક્ષેપબાજી કરી રહ્યું છે તેની સાથે પાકિસ્તાને એલઓસી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા અંગે પણ ચેતવણી આપી.ભારતે લશ્કરી છાવણી પર થયેલા હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશે મોહમદને જવાબદાર ગણાવ્યું છે.