જામનગરના ડેપ્યુટી ડીડીઓ અફસાના મકવા આજના યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત
દીકરીની શ્રેષ્ઠ કારર્કિદી ઘડવામાં પિતા ઉમરભાઈની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

(ઈસ્માઈલ શેખ)

જામનગર, તા.૩
ગુજરાતી સાહિત્યના નામાંકિત લેખક ભૂપત વડોદરિયાનું પુસ્તક “દીકરી વહાલનો દરિયો” ખુબ જ પ્રચલિત બન્યું છે. ત્યારે વાસ્તવિક જીવનમાં પણ દીકરી વહાલનો દરિયો હોવાનું વારંવાર સામે આવી રહ્યું છે, તે વચ્ચે જામનગર જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતા સીદી બાદશાહ સમાજની દીકરી અફસાના મકવાએ પોતાની કારર્કિર્દીની ઘડતર પાછળ પિતાની હૂંફ અને લાગણીને શ્રેય આપીને જીપીએસસી પરીક્ષા પાસ કરીને ક્લાસ-૧ અધિકારી બન્યાનું ગૌરવ અને શ્રેય પિતાને આપ્યો છે.
સમાજની દરેક દીકરી માટે પ્રેરણા આપતા આ કિસ્સાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લા પંચાયત ખાતે ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી અફસાના મકવા આજની દરેક યુવતી માટે આદર્શ બની શકે તેમ છે. કેમ કે, વ્યક્તિ જન્મ કે, જાતિથી મહાન નથી પરંતુ કર્મથી મહાન બને છે અને સીદી બાદશાહ સમાજમાંથી અફસાના મકવા આવતા હોવા છતાં પરિવારના આદર્શ સંસ્કાર અને શિક્ષણના કારણે આજે ડેપ્યુટી ડીડીઓની પોસ્ટ પર પહોંચવાની સફર ઉમદા છે. અમદાવાદ ખાતે ફાયર સ્ટેશનમાં સિનિયર સુપ્રિટેન્ડન્ટ તરીકે નિવૃત્ત થયેલા ઉમરભાઇ મકવાની ચાર સંતાનોમાંથી ત્રીજા નંબરની દીકરી અફસાનાએ અમદાવાદની કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.૧થી ધો. ૧ર સુધી અંગે્રજીમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ બીએસસી, એમએસસી કરીને એન્વાયરમેન્ટલમાં પોસ્ટ ગે્રજ્યુએશન કરીને પાંચ વર્ષ જોબ કરતા-કરતા અફસાના મકવાના મનમાં ઉચ્ચ અધિકારી બનવાના સપના વાવેતરના પરિણામે તેણે જીપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી અને ઉચ્ચ અધિકારી બનવામાં પિતા ઉંમરભાઇની પે્રરણા મહત્ત્વપૂર્ણ સાબિત થઇ છે. પિતાએ બાળપણથી રોજગાર સમાચારથી માંડીને અંગે્રજી અખબાર વાંચવાની ટેવ અમને બહુ કામ આવી હોવાનું અફસાના મકવા જણાવી રહ્યા છે. દરમ્યાન અફસાના મકવાએ જીપીએસસીની પરીક્ષા આપ્યા બાદ તેનું પરિણામ ર૦૧૧માં આવતા જીપીએસસીની પરીક્ષા ક્રેક કરવામાં સફળતા મળી હતી, ખાસ તો અત્યારના યુવક-યુવતીઓ જે કોચિંગ ક્લાસ સહિત સ્પર્ધાત્મક પરીક્ષા પાછળ લખલુટ ખર્ચા કરી રહ્યા છે. તેવામાં અફસાના મકવાએ કોઇપણ જાતના કોચિંગ ક્લાસ કર્યા વગર આ પરીક્ષા પાસ કરી હોવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી બદલ મળ્યો એવોર્ડ

જામનગર જિલ્લા પંચાયત ખાતે હાલમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે મહેકમ સહિતના વિભાગોની મહત્ત્વની જવાબદારી સંભાળતા અફસાના મકવા કામકાજ બાબતે બહુ જ એક્ટિવ છે અને સરકારના તમામ કાર્યક્રમો સામાન્ય વર્ગ સુધી ફેલાવો વધે તેવા પ્રયાસો કરી રહ્યા છે, તે વચ્ચે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરવા બદલ તાજેતરમાં જ બેસ્ટ નોડલ ઓફિસર તરીકે રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે મતદાન તરીકે લોકોમાં જાગૃત્તિમાં જાતે જ હોર્ડિંગ્સ તૈયાર કરીને જનજાગૃત્તિ ફેલાવી હતી.