(એજન્સી) તિરૂવનંતપુરમ, તા. ૩૧
કેરળના ચંગનનુર વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલી પેટાચૂંટણીમાં શાસક સીપીએમે જંગી સારસાઇ સાથે વિજય હાંસલ કરીને ચંગનનુરની બેઠક જાળવી રાખી છે. સીપીએમના ઉમેદવાર સજી ચેરિયને ૨૦,૯૫૬ મતોની સરસાઇ મેળવી છે. ચેરિયનને કુલ ૬૭,૩૦૩ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ડી.વિજયકુમાર ૪૬,૩૪૭ મતો સાથે બીજા નંબરે રહ્યા છે અને ભાજપના પીએસ શ્રીધરન પિલ્લઇ ૩૫,૨૭૦ મત સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. પેટાચૂંટણીમાં ભાજપને ત્રીજું સ્થાન મળ્યું છે પરંતુ ભાજપ માટે આઘાતજનક બાબત એ છે કે તેના મતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાથી ભાજપ માટે નવો પ્રશ્ન ઊભો થયો છે. કેરળના મુખ્યપ્રધાન પિનારાયી વિજયને જણાવ્યું કે ચેરિયનનો ભવ્ય વિજય લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) સરકારના બે વર્ષના શાસનને લોકોની બહાલી છે. સીપીએમના ધારસભ્ય નાયરના નિધનને કારણે આ બેઠકની ૨૮મી મેના રોજ પેટાચૂંંટણી યોજાઇ હતી. કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) માટે આ પરિણામ નિરાશાજનક છે. કાયદો અને વ્યવસ્થા અમલી બનાવવામાં સરકારની નિષ્ફળતાનું વારંવાર રટણ કરીને સરકાર સામે અસંતોષ ઊભો કરવામાં કોંગ્રેસને ફટકો પડ્યો છે.