(એજન્સી) નવી દિલ્હી, તા.૭
સીબીઆઇ વિરૂદ્ધ સીબીઆઇના કથિત ભ્રષ્ટાચારના કેસમાં શનિવારે વિશેષ સીબીઆઇ અદાલતે પૂરાવાના અભાવે પૂર્વ અધિકારી રાકેશ અસ્થાના અને દેવેન્દ્ર કુમારને ક્લિન ચિટ આપી દીધી હતી. સીબીઆઇ તરફથી દાખલ ચાર્જશીટ પર અસહમતિ દર્શાવતા સ્પેશિયલ જજ સંજીવ અગ્રવાલે કહ્યું કે, અસ્થાના અને કુમાર વિરૂદ્ધ આગળ કાર્યવાહી કરવા માટે પર્યાપ્ત પુરાવા નથી. જો ભવિષ્યમાં નવા તથ્યો સામે આવશે તો જોઇશું. તપાસ એજન્સીએ ચાર્જશીટમાં અસ્થાના અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા ન મળ્યા હોવાની વાત કરી હતી. કોર્ટે મનોજ પ્રસાદ સોમેશ્વર પ્રસાદ અને સુનિલ મિત્તલને પણ સમન્સ જારી કર્યા હતા. કોર્ટે કહ્યું કે, આ મામલામાં આરોપી મનોજ, તેના ભાઇ સોમેશ્વર પ્રસાદ અને તેના સસરા સુનીલ મિત્તલ વિરૂદ્ધ પણ યોગ્ય પુરાવા નથી. કોર્ટે સોમેશ્વર પ્રસાદ અને મિત્તલને ૧૩ એપ્રિલે કોર્ટમાં રજૂ થવાનો આદેશ કર્યો છે. સીબીઆઇએ અસ્થાના અને કુમારની ૨૦૧૮માં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને જામીન મળી ગયા હતા. બન્નેને આરોપી બનાવ્યા બાદ પર્યાપ્ત પુરાવા ન મળતા તેમના નામ ચાર્જશીટની કોલમ ૧૨માં લખવામાં આવ્યા હતા. સીબીઆઇએ હૈદરાબાદના વેપારી સતીશ સાનાની ફરિયાદના આધારે અસ્થાના વિરુદ્ધ મામલો દાખલ કર્યો હતો. સાનાએ અસ્થાના પર ૧૦ કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો. તેણે અસ્થાનાને ડિસેમ્બર ૨૦૧૭ બાદ ૧૦ મહિનામાં લાંચની રકમ આપવાની વાત કહી હતી. અસ્થાનાની આગેવાની હેઠળ એક ટીમ સના અને માંસના વેપારી મોઈન કુરેશી વિરુદ્ધ ૨૦૧૭ના એક કેસમાં તપાસ કરી રહી હતી.