(એજન્સી) મુંબઈ, તા.ર૧
સ્પેશિયલ સીબીઆઈની કોર્ટે બુધવારે ગુજરાતના નિવૃત્ત ડીજીપી પી.પી.પાંડેને ઈશરત જહાંના બનાવટી એન્કાઉન્ટરના કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા છે. પાંડે હાલ જામીન ઉપર મુક્ત છે જ્યારે એમની ધરપકડ ર૦૧૩ના વર્ષમાં થઈ હતી ત્યારે એ સૌથી વરિષ્ઠ અધિકારી હતા. સ્પે.સીબીઆઈ જજ જે.કે.પંડયાએ પાંડેને રાહત આપી છે. જજ પંડયાએ પાંડેની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી હતી. પાંડેએ જણાવ્યું હતું કે એમની સામે કોઈ પુરાવાઓ નથી જેથી સાબિત થાય કે એમની સંડોવણી ઈશરત જહાંના અપહરણ અને હત્યામાં હતી. સીબીઆઈ એ કેસની તપાસ કરી હતી અને પાંડેને આરોપી દર્શાવી ધરપકડ કરી હતી જે તે વખતે તેઓ અમદાવાદ-ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. કોર્ટે કહ્યું કે, પાંડેની સામે અપહરણ અને હત્યાના કોઈ સાક્ષીઓ નથી. એમણે એ પણ કહ્યું કે, સાક્ષીઓના પુરાવાઓ વિરોધાભાસી હતા. સાક્ષીઓએ બધી તપાસ એજન્સીઓને જુદા જુદા નિવેદનો આપ્યા હતા. કોર્ટે એ પણ કહ્યું કે પાંડે સામે કેસ ચલાવવા સરકાર પાસેથી સીઆરપીની કલમ ૧૯૭ હેઠળ પરવાનગી મેળવાઈ ન હતી. સીબીઆઈએ ર૦૧૩ના વર્ષમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ૭ ગુજરાત પોલીસ અધિકારીઓને આરોપી તરીકે દર્શાવેલ હતું જેમાં પી.પી.પાંડે પણ સામેલ હતા. એ ઉપરાંત વણઝારા અને જી.એલ.સિંઘલ પણ હતા જે અપહરણ અને હત્યાના આક્ષેપોનો સામનો કરી રહ્યા હતા. સીબીઆઈએ ૪ આઈબીના અધિકારીઓના નામો પણ જણાવ્યા હતા જેમાં રાજીન્દરકુમાર, એમ.એસ.સિંહા હતા જેની સામે કેસ ચલાવવા હજુ પણ પરવાનગી સરકાર પાસે પડતર છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ ૧૯ વર્ષીય ઈશરત જહાંની બનાવટી એન્કાઉન્ટર દ્વારા હત્યા કરી હતી.