(એજન્સી) બૈરૂત, તા.૮
સીરિયાની સ્થિતિ પર નજર રાખનારાઓએ જણાવ્યું કે, ઉત્તર પૂર્વ સીરિયાના ઇદલિબ શહેરમાં એક આતંકવાદી ઠેકાણા પર ભયાનક કાર બોમ્બ વિસ્ફોટમાં એક નાગરિક સહિત કુલ ૨૩ લોકોનાં મોત થયા છે. બોમ્બ વિસ્ફોટને કારણે આખી ઇમારત ખંડેર બની ગઇ હતી અને ઘણી કારનો ખુરદો બોલાઇ ગયો હતો. વિસ્ફોટને પગલે એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ હતી. ઇદલિબ પ્રાંત સીરિયામાં મોટાભાગે બળવાખોરોના કબજાવાળો વિસ્તાર છે જેમાં અલ કાયદાના આતંકવાદી સંગઠનોનો સમાવેશ થાય છે. આ બોમ્બ વિસ્ફોટ અદનાન અલ કોકાઝ નામની બળવાખોરોની કચેરી બહાર કરાયો હતો તેમ બ્રિટનના માનવ અધિકાર સંગઠનો દ્વારા જણાવાયું હતું. જોકે, મીડિયા અહેવાલો અનુસાર કોઇ આતંકવાદી સંગઠન કે અન્ય સંગઠન દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી નથી. મીડિયા કાર્યકરો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોકોઝ અને રશિયામાંથી આવતા વિદેશી લડવૈયાઓએ કર્યો હોઇ શકે છે. આ હુમલા પાછળ કોનો હાથ છે તે અત્યારસુધી જાણવા મળ્યું નથી. સ્થાનિક કાર્યકર અબ્દુલગની દાબાન અનુસાર કોઇ હવાઇ હુમલાનો અવાજ સંભળાયો નહોતો. સ્થાનિકો અનુસાર આ કોઇ કારબોમ્બ વિસ્ફોટ હોઇ શકે છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે, આ હુમલામાં ૧૮ લોકો માર્યા ગયા છે પરંતુ થોડીવારમાં જ આંકડો વધીને ૨૩ પર પહોંચી ગયો હતો. હુમલામાં ઘણા લોકો ઘવાયા હોવાના પણ અહેવાલ છે જેમાં ૩૫ લોકો ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે.
સીરિયાના ઇદલિબમાં આતંકવાદીઓના ઠેકાણા પર કાર બોમ્બ વિસ્ફોટમાં ૨૩નાં મોત

Recent Comments