(એજન્સી) એલેપ્પો,તા.૧૧
એક ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ સીરિયન સ્ટેટ ટેલિવિઝને શુક્રવારે જણાવ્યું હતું કે સીરિયન એર ડિફેન્સને એલેપ્પો પર કરવામાં આવેલા ઈઝરાયેલના હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. સરકારી બ્રોડકાસ્ટરે કહ્યું હતું કે ઈઝરાયેલી મિસાઈલો તેમના લક્ષ્યાંકો સુધી પહોંચે તે પહેલા જ તેમને તોડી પાડવામાં આવી હતી. તાજેતરમાં જ ઈઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમનો દેશ સીરિયામાં ઈરાન વિરૂદ્ધ અભિયાન શરૂ કરશે. જ્યાં કેટલાક સંગઠનોના માધ્યમથી ઈરાને તેની હાજરી વિસ્તારી છે. સ્થાનિક ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ સીરિયામાં એવા સમયે હુમલાઓ કરી રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન મહામારીમાં છે. નોંધનીય છે કે વર્ષ ર૦૧પમાં જ્યારે સીરિયામાં ગૃહયુદ્ધ થયું ત્યારથી ઈઝરાયેલ ત્યાં અનેક હુમલાઓ કરી ચૂક્યું છે.