(એજન્સી) તા.ર૩
મંગળવારે આઈએસના આતંકીઓ દ્વારા એક ઓચિંતો હુમલો કરવામાં આવતાં સીરિયાના રણવિસ્તારમાં લગભગ બે ડઝન જેટલા સરકાર સમર્થિત સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામ્યા હતા. જોકે આ હુમલો તેના એક દિવસ બાદ કરાયો છે જ્યારે દમાસ્કસમાંથી બળવાખોર-આતંકવાદીઓને ખસેડીને તેને મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. આ માહિતી નિરીક્ષકે આપી હતી. સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઇટ્‌સે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે લગભગ ર૬ જેટલા સૈનિકો અને સહયોગી સેનાના સૈનિકો ડોનમાં કરવામાં આવેલા હુમલામાં શહીદ થઈ ગયા હતા. નોંધનીય છે કે આ હુમલા સીરિયાના બદીયા પોસ્ટ પર કરવામાં આવ્યા હતા. જોકે શહીદ થનારાઓમાં મોટાપાયે ઇરાની સૈનિકો પણ સામેલ છે. નોંધનીય છે કે બદીયા પોસ્ટ સીરિયાના રણવિસ્તારમાં આવેલી છે અને કેન્દ્રીય સીરિયા સુધી પથરાયેલી છે. જોકે બદીયાની સરહદ ઇરાક સાથે પણ જોડાયેલી છે. જોકે અહીં હજુ પણ આઇએસના આતંકીઓનો એક મજબૂત ગઢ આવેલ છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઇટ્‌સના ચીફ રામી અબ્દેલ રહેમાને કહ્યું હતું કે પલમાયરા ખાતે આવેલી એક નાનકડી ચોકી પર આ હુમલો કરાયો હતો. જોકે આ વિસ્તાર પર પ્રાચીન શહેર તરીકે પ્રસિદ્ધ છે અને આઇએસના આતંકીઓએ અહીં પણ યુદ્ધ દરમિયાન ભારે તબાહી મચાવી હતી. તેમણે કહ્યું કે અહીં સૌથી પહેલા તો આઇએસના આતંકીઓએ સુરક્ષાદળોના બેઝ પર કાર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો અને ત્યારબાદ સૈનિકો સાથે તેમની અથડામણ સર્જાઇ હતી. જોકે આ ભયંકર અથડામણ દરમિયાન લગભગ પાંચ જેટલા આઇએસના આતંકીઓને પણ ઠાર મરાયા હતા. અબ્દેલ રહેમાને કહ્યું હતું કે આઈએસના આતંકીઓએ તેમના કબજા હેઠળના બદીયા વિસ્તારથી હુમલો કર્યો હતો. નોંધનીય છે કે સોમવારે સીરિયાની સરકારે દમાસ્કસની આજુબાજુના વિસ્તારો પર કબજો જમાવીને આતંકીઓના સફાયાની જાહેરાત કરી હતી.