(એજન્સી) તા.૧
છેલ્લે ફેબ્રુઆરી ૧૯થી સીરિયામાં બળવાખોરોના કબજા હેઠળના તથા સીરિયાની સરકારના નાકાબંધી હેઠળના પૂર્વ ઘૌતા શહેરમાં જે રીતે સીરિયા અને રશિયાની સેના તથા વાયુસેના દ્વારા હવાઇ હુમલા કરવામાં આવી રહ્યાં છે તેની સામે હવે વિશ્વના અનેક ટોચના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ જમાત-એ-ઇસ્લામી હિન્દ દ્વારા સીરિયામાં જ તેના શહેર પર સીરિયાની સેના દ્વારા કરવામાં આવી રહેલા બોમ્બમારા અને હવાઇ હુમલાની ટીકા કરવામાં આવી હતી. મીડિયા સમક્ષ જાહેર કરેલા નિવેદનમાં જમાત-એ-ઇસ્લામી હિન્દના વડા મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરીએ કહ્યું કે સીરિયામાં દરરોજ કરવામાં આવી રહેલા બોમ્બમારાનો અમે વિરોધ કરીએ છીએ. પર૦ જેટલા નાગરિકોનાં મોત અને હજારો ઘાયલોની જાણકારી અમને ઊંડે સુધી આઘાત પમાડી ગઇ છે. આ માહિતી અમને મીડિયાના અહેવાલોથી મળી. અમે જોઇ રહ્યાં છીએ કે હવાઇ હુમલામાં હોસ્પિટલો, સારવાર કેન્દ્રો અને ક્લીનિકોને નિશાને લેવાઇ રહ્યાં છે. જેના કારણે ઘાયલોને સારવાર આપતા પણ ડોક્ટરો ગભરાઇ રહ્યાં છે. મૃતકોમાં તથા ઘાયલોમાં મોટાપ્રમાણમાં તો સામાન્ય નાગરિકો જ સામેલ છે. જેમાં બાળકો પણ છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર, રશિયા, સીરિયા, અમેરિકા, જીસીસી તથા તમામ મહત્વના પક્ષો જે સીરિયાના યુદ્ધ સાથે સંકળાયેલા છે તેમને તાત્કાલિક ધોરણે સીરિયા વિરુદ્ધની કાર્યવાહી રોકી દેવા નમ્ર વિનંતી કરીએ છીએ. તેમણે કહ્યું છે કે સીરિયામાં નાગરિકો તથા બાળકોને નિશાને લેવાનું બંધ કરવું જોઇએ. સીઝફાયરનો સારી રીતે અમલ કરાવીને તેનો કાયમી ઉપાય શોધવાનો પ્રયાસ કરવો જોઇએ. મૌલાના ઉમરીએ કહ્યું કે સીરિયાની સરકારે નોંધ લેવી જોઇએ કે તે તેના દેશના નાગરિકોની જ રક્ષા કરવામાં અસમર્થ રહી છે. તે દેશમાં વ્યાપક સ્તરે ફેલાયેલી શરણાર્થી તથા માનવીય કટોકટીને નિવારી શકવામાં નિષ્ફળ સાબિત થઇ છે. તેમણે કહ્યું કે યુદ્ધ અને હિંસા કરવી એ કોઇપણ પ્રકારની સમસ્યાનો ઉકેલ નથી. નાગરિકોની સુરક્ષા કરવી એ આપણું પરમ કર્તવ્ય હોવું જોઇએ. તેમણે કહ્યું કે અચરજની વાત છે કે યુએનએસસી પણ આ મામલાને થાળે પાડવામાં નિષ્ક્રિય સાબિત થયું છે.