(એજન્સી) બૈરૂત, ર૦
પૂર્વીય ઘૌતામાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં સીરિયાઈ સેના દ્વારા કરવામાં આવી રહેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૦૦ સામાન્ય નાગરિકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં ર૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમ એક યુદ્ધ દેખરેખકર્તાએ આ જાણકારી આપી છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્‌સના પ્રમુખ રામી અબ્દુલ રહેમાને કહ્યું કે, દમિશ્કની બહાર વિદ્રોહીઓથી પ્રભાવિત વિસ્તારમાં સોમવારે કરવામાં આવેલા બોમ્બમારામાં સામાન્ય નાગરિકોના મોત નિપજ્યા હતા. મૃતકોનો આ આંકડો વર્ષ ર૦૧પની શરૂઆત બાદ સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી હતી કે વિદ્રોહીઓના કબજાવાળા પૂર્વીય ઘૌતામાં સીરિયા દ્વારા કરવામાં આવી રહેલા ભારે બોમ્બ વિસ્ફોટનો ભોગ નાગરિકો બની રહ્યા છે તેથી તેને તાત્કાલીક ધોરણે બંધ કરાવી દેવા જોઈએ. સીરિયાઈ સંકટ માટે સંયુક્ત રાષ્ટ્રના ક્ષેત્રીય માનવીય સંયોજક પૈનોસ મોમત્જિસે એક નિવેદનમાં જણાવ્યું કે, આ કારણ વગરની માનવીય યાતનાને તાત્કાલીક ધોરણે બંધ કરવાની જરૂરિયાત છે. નિર્દોષ નાગરિકો અને પાયાના માળખાને આ રીતે નિશાન બનાવવાનું તાત્કાલીક બંધ કરવામાં આવે. દમિશ્કની નજીક પૂર્વીય ઘૌતામાં ગત કેટલાય દિવસોથી કરવામાં આવી રહેલા બોમ્બ વિસ્ફોટોમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સીરિયામાં ગત ૭ વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષ પર દેખરેખ રાખતી એક એજન્સીએ કહ્યું કે તાજેતરમાં થયેલા હુમલામાં જ ઓછામાં ઓછા ૭૭ લોકોનાં મોત નિપજ્યા છે.