(એજન્સી) નવી દિલ્હી , તા.૨૩
સિરિયામાં પોતાની ભૂમિકાને કચડી નાંખવાના ઈઝરાયેલના કોઈપણ પ્રયાસો સામે ઈરાને લાલઆંખ કરી હતી. ઈરાને જણાવ્યું હતું કે, ઈઝરાયેલ દ્વારા હુમલા કરી નાસી જવાના સમયનો હવે અંત આવી ગયો છે. સિરિયન સેના પર ઈઝરાયેલે કરેલા હવાઈ હુમલા બાદ ઈરાને ઉક્ત નિવેદન કર્યું હતું. દેશમાં ઈરાનિયન અર્ધલશ્કરી દળોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયેલ ઈરાનને પોતાની માટે સૌથી મોટું જોખમ ગણે છે. ઈઝરાયેલ દ્વારા વારંવાર ઈરાનના મથકોને નિશાન બનાવવામાં આવે છે. સિરિયા પ્રત્યે પણ ઈઝરાયેલનું આવું જ વલણ છે. તહેરાનનું રાષ્ટ્રપતિ બશર અલ-અશદ અને બળવાખોરો સામે દળોને સમર્થન છે. ગત બુધવારે ઈઝરાયેલના સૈનિક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આઠ મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં દમાસ્કસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે સ્થિત ઈરાનના વડામથકનો પણ સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ આ વડામથક ખાતે સિરિયાની મુલાકાત સમયે ઈરાનનું પ્રતિનિધિમંડળ રોકાણ કરતું હતું. વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેએ જણાવ્યું હતુંં કે, ઈઝરાયેલ સારી રીતે એ વાત જાણે છે કે, હવે હુમલા કરી નાસી જવાના તેના વલણનો અંત આવ્યો છે. જેથી તે વધુ સાવચેત બન્યું છે. સિરિયામાં ઈરાનની હાજરી એક સલાહકાર તરીકેની છે. સૈનિક સલાહકાર તરીકે તેઓ સિરિયામાં પોતાની સેના મોકલવાનું વલણ જારી રાખશે. સિરિયામાં જરૂરત પ્રમાણે આ કામગીરી જારી રખાશે. માનવ અધિકારો અંગેના સિરિયન સમીક્ષક વોર મોનિટરે જણાવ્યું હતું કે, ઈઝરાયેલના હુમલામાં ઈરાનના પ્રતિષ્ઠિત દળ રિવોલ્યુશનરી ગાર્ડ કુદ્દસ ફોર્સના પાંચ જવાનો સહિત કુલ દસ લોકોના મોત થયા હતા. સઈદે જણાવ્યું હતું કે, સિરિયામાં કેટલા ઈરાનિયન સૈનિકો શહીદ થયા છે, તે અંગે તેમને કોઈ સત્તાવાર માહિતી મળી નથી.