(એજન્સી) દમાસ્કસ, તા. ૨૪
સીરિયાના પાટનગર દમાસ્કસમાં વિખ્યાત સુન્ની મુફ્તિ શેખ મોહમ્મદ અદનાન અલ-આફિઉનીનું માર્ગ પાસેના બોમ્બ વિસ્ફોટને કારણે મોત થયું હતું. તેઓ કેટલાક લોકો દ્વારા હત્યાના નિશાન પર પહેલાથી જ હોવાનું મનાતું હતું. આ વિસ્ફોટ કુદસિયા શહેરમાં થયો હતો જે સીરિયાના પશ્ચિમ ભાગની રાજધાની તરીકે ઓળખાય છે. વિસ્ફોટની ઘટના બાદ મુફ્તિ પહેલા ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવ્યું હતું પરંતુ બાદમાં હોસ્પિટલ લઇ જવાતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સીરિયાની રાષ્ષ્ટ્રીય સમાચાર એજન્સી સના અનુસાર અલ-આફિઉની આતંકવાદીઓના નિશાન પર પહેલાથી જ હતા અને ગુરૂવારે સાંજે થયેલા હુમલામાં તેઓ શહીદ થયા હતા. તેઓને સીરિયા તથા વિશ્વભરમાં સૌથી મોટા ઇસ્લામિક વિદ્વાનોમાં માનવામાં આવે છે. સીરિયાના ધાર્મિક સખાવતના મંત્રાલયે પણ અલ-આફિઉનીની શહીદી પાછળ આતંકવાદી કૃત્ય હોવાનું જણાવ્યું છે. જોકે, અત્યારસુધી કોઇ પણ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. ઉલ્લેખનીય છે કે, આફિઉની રાષ્ટ્રપતિ બશર અલ-અસદના ખાસ નજીકના માનવામાં આવતા હતા તથા વિપક્ષી દળો અને સરકાર વચ્ચે મંત્રણા શરૂ કરવા માટે ચાવીરૂપ ગણાતા હતા. ગયા વર્ષે અસદ સરકારે તેમને આતંકવાદનો સામનો કરવા માટે નવા બનાવાયેલા ઇસ્લામિક અલ-શામ સેન્ટરના પ્રમુખ તરીકે નિમણૂંક કરી હતી.૧૯૫૪માં દમાસ્કસમાં જન્મેલા શેખ અલ-આફિઉનીએ ૨૦૧૩માં દમાસ્કસ અને તેના પ્રાંતના મુફ્તિ તરીકે પદ સંભાળ્યું હતું. આ સમયે સીરિયામાં ગૃહયુદ્ધ સર્વોચ્ચ સપાટીએ હતું.
Recent Comments