(એજન્સી) તા.૨૧
સીરિયાના વિરોધી સૂત્રોએ જણાવ્યું છે કે રશિયાના જેટ વિમાનોએ બળવાખોરોના કબજા હેઠળના ઉત્તર પશ્ચિમ સીરિયામાં તુર્કી-રશિયા વચ્ચે ૬ મહિના પહેલા થયેલ યુદ્ધવિરામ પછી ભયંકર હુમલાઓ કર્યા હતા.
સાક્ષીઓએ જણાવ્યું હતું કે યુદ્ધવિમાનો ઇદલિબ શહેરના બહારના વિસ્તારમાં ત્રાટક્યા હતા અને દક્ષિણ ઇદલિબમાં સીરિયન સૈન્ય પોસ્ટ પાસેના જાબાલ અલ ઝાવાયાના પહાડી વિસ્તારમાં ભારે બોમ્બ હુમલાઓ કર્યા હતા. હજુ સુધી જાન માલના નુકસાનની માહિતી મળી નથી.
પૂર્વ બળવાખોર અધિકારી મોહમ્મદ રશીદે કહ્યું યુદ્ધવિરામ પછી ત્રીસથી વધુ ભારે હુમલાઓ કરાયા છે. અન્ય સમાચાર સંસ્થાઓએ જણાવ્યું છે કે રશિયાના સુખોઈ વિમાનોએ ઇદલિબના પશ્ચિમ તરફ આવેલ હોર્શ વિસ્તાર અને અરદ સઈદ શહેરમાં હુમલાઓ કર્યા હતા. વણ ઓળખાયેલ ડ્રોન દ્વારા પણ બળવાખોરોના કબજા હેઠળના બે શહેરો સહેલ અલ-ઘાબમાં હુમલો કર્યો હતો.
માર્ચમાં કરાયેલ કરાર પછી મોટાપાયે કોઈ હવાઈ હુમલાઓ થયા નથી. આ હુમલાઓ બાબત રશિયા તરફથી તાત્કાલિક કોઈ પ્રતિભાવ મળ્યો નથી અથવા સીરિયન સેના દ્વારા પણ કોઈ માહિતી અપાઈ નથી. જેઓ લાંબા સમયથી આરોપો મૂકી રહ્યા છે કે ત્રાસવાદીઓએ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે અને સૈન્ય ઉપર હુમલાઓ કરી રહ્યા છે. રશિયન સમર્થિત દળોને આગળ વધતા અટકાવવા માટે અંકારાએ ઇદલિબ પ્રાંતમાં હજારો સૈનિકો ગોઠવ્યા પછી તુર્કીના રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે સમજૂતી થઇ હતી કે બંને દેશોની સેનાઓ એક બીજા ઉપર હુમલો કરશે નહીં. સીરિયા પર નિગરાની રાખનાર પશ્ચિમી રાજદૂતોએ જણાવ્યું હતું કે રશિયા અંકારા ઉપર ઇદલિબમાંથી સૈન્ય પાછું ખેંચી લેવા દબાણ કરી રહ્યું છે. તુર્કીએ ૧૦ હજારથી વધુ સૈનિકો ખડક્યા છે.