(એજન્સી) હૈદરાબાદ, તા.૩
સીરિયામાં થઈ રહેલ સામૂહિક હત્યાના વિરોધમાં રેલીનું આયોજન કરવાની માંગને પ્રશાસને નકારતાં તેલંગાણાના વરંગલ શહેરના મુસ્લિમ જૂથના નેતાએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
સીરિયાના નિર્દોષ લોકોની હત્યાના વિરોધ માટેની રેલીને પોલીસે મંજૂરી ન આપતા રોષે ભરાયેલા યુવકે ફેસબુક લાઈવ વીડિયો વેબકાસ્ટ દરમિયાન ઝેર પીધું હતું. મોહંમદ નઈમ મુસ્લિમ હક્કુલા પોરતા સમિતિ (જે મુસ્લિમોના અધિકાર માટે છે)ના વરંગલ જિલ્લાના પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે સમિતિએ શાંતિપૂર્વક રેલી યોજવા અરજી કરી હતી અને પોલીસે તે માટે મંજૂરી પણ આપી દીધી હતી પરંતુ પાછળથી તેમણે ઈન્કાર કર્યો હતો.
અભિવ્યક્તિની સ્વતંત્રતા ગેરકાયદે તેમની પાસેથી છીનવામાં આવતા હતાશ થયેલા નઈમએ આ પગલું લીધું હતું ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે જણાવ્યા મુજબ તેમની હાલત સ્થિર છે.