(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
કેન્દ્રીય સતર્કતા આયોગે (સીવીસી) પંજાબ નેશનલ બેન્ક અને નાણા મંત્રાલયને પૂછ્યું છે કે નિયમો છતાં કૌભાંડ કેવી રીતે થયું ? તેનો ૧૦ દિવસમાં જવાબ આપો. સીવીસીએ કહ્યું કે નાણાકીય નિયમો હોવા છતાં પીએનબીમાં ૧૧,૩૦૦ કરોડનું કૌભાંડ કેવી રીતે થયું. કેન્દ્રીત સતર્કતા કમિશનર કે વી ચોધરીએ પંજાબ નેશનલ બેન્કના કૌભાંડ સંબંધિત બેન્ક અને નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. લગભગ બે કલાક ચાલેલી બેઠકમાં પીએનબી અધિકારીઓએ છેતરપિંડી સાથે કામ પાર પાડવા માટે અત્યાર સુધી ભરવામાં આવેલા પગલાંની વિગતો આપી હતી. તે ઉપરાંત બેન્ક મેનેજમેન્ટ દ્વારા કથિત રીતે કૌભાંડમાં સંદિગ્ધ અધિકારીઓની સામે કરવામાં આવેલા કાર્યવાહી વિશે પણ જાણકારી આપવામાં આળી હતી. બેઠકમાં ચોધરી ઉપરાંત તકેદારી કમિશનર ટી એમ ભસીન અને નાણા મંત્રાલયના અધિકારીઓ હાજર હતા. સીવીસીએ બેન્કને કૌભાંડમાં સામેલ અધિકારીઓના નામ આપવાનું કહ્યું છે. એ લોકોની ઓળખ કરવાનું પણ કહ્યું છે કે જેમના સમયસરનું પગલું કૌભાંડ અટકાવી શકાયું હોત. સીવીસીએ આ કેસમાં સીબીઆઈ અધિકારીઓ સાથે પણ વાત કરી. સીબીઆઈ આ કેસમાં ૩૧ જાન્યુઆરીના રોજ બે એફઆઈઆર દાખલ કરી હતી.