(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
ચાર દરવાજા વિસ્તારમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા કાઢવામાં આવી રહ્યાં છે તેવી અફવા ફેલાવતા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરી આવું કાંઇ થઇ રહ્યું નથી અને કેમેરાને બદલવા અંગે સીટી પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તેવી સત્તાવાર જાહેરાત કરાઇ છે. સાથે જ ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરાશે તેમ ડી.સી.પી. ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ડી.સી.પી. ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે, શહેરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શાંતિપૂર્ણ છે. કેટલાક તત્વો દ્વારા શહેરની શાંતિનો માહોલ બગડે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં પોલીસ, કોર્પોરેશન અને જી.ટી.પી.એલ. કંપની દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે પૈકી કેટલાક કંપનીનાં કેમેરા જે લાંબા સમયથી બંધ હાલતમાં છે તેને મેન્ટેનન્સ તેમજ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ૧૦ કરોડ રૂપિયાનાં ખર્ચે ૪૦૦ જેટલા અદ્યત્તન અને નવા કેમેરા નાખવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે. ત્યારે શહેરમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા હટાવવામાં આવી રહ્યા છે જેથી કાંઇ શહેરમાં અજુગતું બનવાની શકયતા છે તેવા સોશિયલ મીડિયા પર મેસેજ નાખી અફવા ફેલાવવામાં આવતા પોલીસ દ્વારા આજે આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાંચ દ્વારા લોકોને અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં તથા આવા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ આવા મેસેજો વાયરલ કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેમ પણ ડી.સી.પી. ક્રાઇમે જણાવ્યું છે.