અમરેલી, તા.૧૩
સાવરકુંડલાના ઓળિયા ગામે એક માસ પહેલાં થયેલ યુવાનની હત્યામાં અમરેલી એલસીબી પોલીસે રાજકોટના એક સીએ થયેલા હત્યારા યુવાનની ધરપકડ કરેલ હતી. આ હત્યારાએ પાંચ જિલ્લમાં બાવન જેટલા ચીલઝડપના ગુના આચર્યા હોવાની કબૂલાત આપેલ હતી. પોલીસે રૂા.૩.૪૧ લાખના સોના-ચાંદીના દાગીના સાથે યુવાનની ધરપકડ કરેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એલસીબી પી.આઈ આર.કે. કરમટા અને પીએસઆઈ પી.એન. મોરીની ટીમે બાતમીના આધારે સાવરકુંડલા નજીક અમરેલી રોડ ઉપર આવેલ ગેઈટ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા એક શંકાસ્પદ યુવાનને રોકી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ગલ્લા-તલ્લા કરનારા ફાકડા યુવાન સામે પોલીસે લાલ આંખ કરેલ હતી. આ શખ્સે પોતાનું નામ વૃષાંત ઉર્ફે શ્યામ વિજય ધનેશા ઉ.વ.રપ, રે.૧પ૦ ફુટ રીંગ રોડ રાજ રાજેશ્વરી પાર્ક નાણાવટી ચોક રાજકોટનો હોવાનું જણાવેલ હતું. આ યુવાને બીકોમ કર્યા બાદ સીએનો અભ્યાસ પણ પૂર્ણ કરેલ હતો. તેની ઉપર દેણ થઈ જતાં ગાંજો પીવાની લત ચડી ગયેલ હતી. પોતાનું મોટર સાયકલ લઈ જુદા-જુદા શહેરોમાં છેલ્લા પાંચ વર્ષથી મહિલાઓના ગળામાંથી ચીલઝડપ કરતો હતો. આ યુવાનને લોકડાઉનમાં મુંબઈથી સા.કુંડલાના ઓળિયા ગામના શનિ આશ્રમે આવેલા જીજ્ઞેશ દિનેશભાઈ ધમણ સાથે ઓળખાણ થયેલ હતી. ઓળખાણમાં વાતચીતમાં યુવાને પોતાના કરતૂતોની વાત કરેલ હતી. જે વાત પોલીસમાં જાહેર કરી દેવાના ડરથી ગત તા.૭/૬/ર૦ર૦ના રાત્રિના સમયે શનિ આશ્રમમાં સૂતેલ જીજ્ઞેશને માથાના ભાગે લોખંડના સળિયાના ઘા મારી હત્યા નિપજાવી નાસી છૂટેલ હતો. આ હત્યા ઉપરાંત અમરેલી, રાજકોટ, જામનગર, વડોદરા, સુરત સહિતના જિલ્લામાં પર જેટલા ચીલઝડપના ગુના આચર્યાની કબૂલાત આપેલ હતી. ચીલઝડપ પોતાના બાઈક ઉપર જ કરતા હોવાનું જણાવેલ હતું. છેલ્લા પાંચ વર્ષમાં સુરતમાં ૩૯, સા.કુંડલા-૩, રાજકોટ-૬, જામનગર-ર અને વડોદરા-ર સહિત પર જેટલી ચીલઝડપ કરેલ હતી. જેમાં ઘણી ઘટનાઓના ગુના પોલીસ દફતરે નોંધાયેલ પણ નથી. આવા ગુનાઓ નોંધવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરેલા આરોપી યુવાન પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના, એક મોબાઈલ અને જી.જે. ૩ એફએસ ૬પ૩૭ નંબરના બાઈક સહિત કુલ રૂા.૩,૪૧,૧૧૪નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો.