અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી જવા માટે સી-પ્લેન સર્વિસના ઉદ્‌ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવાના છે. આ કાર્યક્રમની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે એવિએશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેન લેન્ડિંગ અને ટેક ઓફ થવાનું છે તે સાઈટની મુલાકાત લઈને ચકાસણી કરી હતી. તદ્‌ઉપરાંત ફાયર વિભાગ દ્વારા નદીમાં બોટિંગ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. તા.૩૧ ઓકટોબરે થનારા સી-પ્લેનના ઉદ્‌ઘાટનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એટલે વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કાર્યક્રમમાં ક્યાંક કોઈ કચાશ રહી ન જાય તેની ખાસ તકેદારી રાખી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ સાબરમતી નદીમાં ઘણી જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે આ પ્રત્યે તંત્રનું હજુ સુધી ધ્યાન ગયું હોય તેવું લાગતું નથી. પ્રસ્તુત પ્રથમ તસવીરમાં રિવરફ્રન્ટ ઉપર મુલાકાતે આવેલા સરકારી અધિકારીઓ અને બીજી તસવીરમાં નદીમાં ગંદકી જોવા મળી રહી છે.