સુરેન્દ્રનગર,તા.૧૧
સુરેન્દ્રનગર ખાતે સી.યુ.શાહ (સી.જે.હોસ્પિટલ)ના મેડીકલ વિભાગ, ચિલ્ડ્રન વિભાગ તથા ઓપરેશન થિયેટરનો સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
સી.જે.હોસ્પિટલ ખાતે યોજાયેલા વિવિધ વિભાગોના ઉદઘાટન સમારોહ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ અને સમારોહના પ્રમુખ ડો.પી.જી.દોશીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેર આરોગ્ય ક્ષેત્રે વિકાસની નવી દિશા તરફ કુચ કરી રહેલ છે. બદલાતા સમયની સાથે દર્દીઓને આધુનિક ટેકનોલજીયુક્ત સારવાર મળી રહે તે માટે અદ્યતન આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવાના સંસ્થાના પ્રયાસો રહેલ છે.
આ પ્રસંગે જશવંતભાઈ શાહ, દિલીપભાઈ પટેલ, વર્ષાબેન દોશી, ધનરાજભાઈ કેલા, રણજીતસિંહ ઝાલા, વિપિનભાઈ ટોલિયા તથા શાહબુદીનભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદ્દબોધનો કરતા જણાવ્યું હતું કે શિક્ષણ અને આરોગ્ય એ સમાજના મહત્વના આધાર સ્તંભો છે. આ બંને સ્તંભો જો મજબુત હશે તો સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર મજબુત રહેશે. સુરેન્દ્રનગરમાં આરોગ્ય અને શિક્ષણ માટે દાતાઓએ હરહંમેશ દાનનો પ્રવાહ વહેતો રાખી બંને સ્તંભોને મજબુત રાખ્યા છે.
તેઓએ વધુમાં બદલાતા સમય સાથે આધુનિક ટેકનોલોજીયુક્ત મલ્ટી સારવાર એક જ હોસ્પિટલમાં એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવી સુવિધા સુરેન્દ્રનગર શહેરમાં મળતી થયેલ છે. તેઓએ સુરેન્દ્રનગરમાં આરોગ્ય અંગેની તમામ સેવાઓ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે વડવાળા મંદિર દૂધરેજના કનીરામદાસજી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે.
સ્વાગત પ્રવચન સુરેશભાઈ શાહે કરી હતી. જ્યારે આભાર વિધિ સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઈ દોશીએ કરી હતી. સંસ્થાના માનદમંત્રી ભુપતસિંહ રાઠોડે સંસ્થાનો પરિચય આપ્યો હતો. દાતાઓના હસ્તે મેડીકલ વિભાગ, ચિલ્ડ્રન વિભાગ તથા ઓપરેશન થિયેટરનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુકુંદરાય કોઠારી સ્વામી, સંસ્થાના પ્રમુખ ભુપતભાઈ વાડીલાલ શાહ, પ્રતિકસિંહ રાણા, દાતાઓ, ટ્રસ્ટીઓ, ડોક્ટરો સહિત વિશાળ સંસ્થામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.