(એજન્સી) શ્રીનગર, તા. ૧૨
સુંજવાન આતંકવાદી હુમલાની હજુ તો શાહી સુકાઈ નથી ત્યાં તો ફરી વાર શ્રીનગરના સીઆરપીએફ છાવણી પર આતંકવાદીઓએ હુમલાનો પ્રયાસ કર્યો હતો જેમાં ૧ જવાન શહીદ થયાં છે. રવિવારે મોડી રાતે સેનાએ સુંજવાન છાવણીમાં ક્લિનિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. બીજી બાજુ શ્રીનગરમાં ફરી એક વાર આતંકવાદીઓએ સીઆરપીએફ છાવણી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં સેનાના એક જવાન શહીદ થયાં હતા. શ્રીનગરના કરણ નગરમાં સીઆરપીએફ જવાનોએ એક બિલ્ડિંગને ઘેરી લીધી હતી. સીઆરપીએફ આઈજી રવિદીપ સહાયે કહ્યું કે સવારે ૨ આતંકવાદીઓએ સીઆરપીએફ વડામથકમા પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓ વડામથકમાં ઘુસવામાં તો સફળ ન રહ્યાં પરંતુ બાજુની એક બિલ્ડિંગમાં ઘુસી ગયાં હતા. ૫ પરિવારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં. જૈશ એ મોહમદના સંદિગ્ધ આતંકવાદીઓએ સેનાની એક છાવણી પર હુમલો કર્યાના ૫૧ કલાક બાદ સુંજવાન લશ્કરી છાવણીમાં સેનાએ કોમ્બિંગ ઓપરેશન ચાલુ કર્યું છે. આ ઓપરેશનમાં સેનાના એક જવાન શહીદ થયાની ખબર છે. જવાબી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૪ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. સુંજવાનમાં ક્લિનિંગ ઓપરેશનમાં લાગેલી સેનાએ લશ્કરી છાવણીના ખાલી રહેણાંકના ક્વોર્ટરો પર મોર્ટારના ગોળા ફેંક્યાં હતા જેને કારણે ત્યાં આગ લાગી હતી. સેનાએ કુલ ૪ આતંકવાદીઓને ઠાર માર્યાં છે, હુમલામાં લશ્કરના ૪ જવાનો શહીદ થયાં છે જેમા ૨ જેસીઓ સામેલ છે. અથડામણ દરમિયાન એક નાગરિકનું પણ મોત થયું હતું. સુંજવાનના પાછળના ગેટ પર બનેલા બંકરમાં સંતરીએ શનિવારે ૪.૫૫ ની આસપાસ સંદિગ્ધોની હરકત જોઈ. સંતરીએ ગોળીબાર કર્યો તો સેનાની વર્દીમાં આવેલા ૪ થી ૫ આતંકવાદીઓએ ભારે હથિયારોથી ગોળીબાર કર્યો તથા ગ્રેનેડ ફેંક્યાં અને અંદર ધસી આવ્યાં. જે પછી તેઓ અલગ અલગ જગ્યાએ છુપાઈ ગયાં. આ દરમિયાન આતંકવાદી સંગઠન લશ્કરે એ તોયબાએ સુંજવાન અને કરણનગર આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી છે.