(એજન્સી) જમ્મુ, તા. ૧૩
જમ્મુના સુંજવાન સૈન્ય કેમ્પ પર આતંકવાદી હુમલામાં જમ્મુ-કાશ્મીરના પાંચ જવાનો શહીદ થતા સમગ્ર કાશ્મીર ખીણમાં શોક વ્યાપી ગયો હતો. શહીદ કમિશન્ડ ઓફિસર મોહમ્મદ અશરફ મીર અને અન્ય ત્રણ જવાનોના મૃતદેહો તેમના ગામમાં લવાતા હજારો લોકો જનાઝામાં જોડાયા હતા. કુપવાડા જિલ્લાના મેદાનપુર ગામમાં જ્યારે અશરફ મીરનો મૃતદેહ લાવવામાં આવ્યો ત્યારે સમગ્ર કુપવાડામાં શોકનો માહોલ છવાઇ ગયો હતો અને જોત જોતામાં આસપાસના જિલ્લાઓમાંથી લોકો જનાઝામાં જોડાવા માટે આવી પહોંચ્યા હતા. દરમિયાન હજારો લોકો વચ્ચેથી શહીદ અશરફ મીર ઝીંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા ગુંજી રહ્યા હતા. મેદાનપુરા અને આસપાસના તમામ ગામોના લોકો અશરફ મીરની અંતિમ યાત્રામાં જોડાયા હતા. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં પોલીસ અને સેના માટે પણ સ્થિતિ પર કાબૂ મેળવવું મુશ્કેલ બન્યું હતું. જનાઝામાં ફક્ત પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ, બાળકો પણ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. આતંકવાદીઓના હુમલામાં શહીદ થનારા જાંબાઝ સૈનિકો માટે આટલું સન્માન તો ફક્ત કાશ્મીરમાં જ જોવા મળે છે તેવું પ્રતિત થતું હતું. બીજી તરફ દેશભક્તિ માટે કોઇના સર્ટિફિકેટની જરૂર નથી તેમ શહીદોને અંતિમ વિદાય આપનારાઓ મોતના મલાજા સાથે ભગ્ન હૃદયે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા હતા.