પાટણ, તા.૧૧
બાલીસણા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં ધુળેટીના દિવસે નહાવા પડેલા ત્રણ જેટલા યુવાનો પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા. ડૂબી ગયેલા યુવાનની લાશને ર૪ કલાકની ભારે જહેમત બાદ આજે વહેલી સવારે બહાર કાઢતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા.પાટણ તાલુકાના બાલીસણા ગામ નજીક આવેલ બબાસણા પાસેથી પસાર થતી સુજલામ્‌ સુફલામ્‌ કેનાલમાં ધુળેટીના દિવસે બાલીસણા ગામના બે ઠાકોર યુવાનો, એક રાવળ અને એક પરમાર અલ્પેશ કિશોરભાઈ મળી કુલ ચાર યુવાનો રંગોત્સવ તહેવાર બાદ બપોરના સમયે કેનાલમાં નહાવા પડ્યા હતા. દરમ્યાન ત્રણ યુવાનોને ડૂબતાં જોઈ તેઓની સાથેના એક યુવાને ગામ તરફ દોડી જઈ ગામ લોકોને જાણ કરી હતી. દરમ્યાન સ્થાનિક તરવૈયાઓએ ઘટનાસ્થળે આવી ઠાકોર તેમજ રાવળ સમાજના યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે પરમાર અલ્પેશની કોઈ જ ભાળ મળી નહોતી. દરમ્યાન આ ઘટના અંગેની જાણ પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટરને કરતા તેના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મોડી સાંજ સુધી મૃતકની લાશને શોધવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ લાશનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારે આજે વહેલી સવારે મૃતક યુવકની લાશ પાણી પર તરતી નજરે પડતા ગામના યુવાનોએ તેને બહાર કાઢી હતી. મૃતકની લાશને જોતા લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ લાશને પીએમ અર્થે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.