“જુઓ આ કાર્યક્રમ કેટલી હદે નિરંકુશ છે” : સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવીનાIAS જિહાદ પ્રોમોની નિંદા કરી, ટીવી ડિબેટ સામે પણ રોષ વ્યક્ત કર્યો જસ્ટિસ

તમે એક સમુદાયને લક્ષ્યાંક ન બનાવી શકો અને
તેમને ચોક્કસ રીતે ન દર્શાવી શકો : સુપ્રીમકોર્ટ

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે સુદર્શન ટીવીના વકીલની ‘વાણી સ્વતંત્રતા’ની દલીલને ફગાવતા કહ્યું કે દેશની સુપ્રીમકોર્ટ તરીકે અમે તમને આ કહેવાની પરવાનગી ન આપી શકીએ કે જામિયાના વિદ્યાર્થીઓ સનદી સેવાઓમાં ઘૂસણખોરી કરવાના ષડયંત્રનો હિસ્સો છે

(એજન્સી) તા.૧પ
મુસ્લિમ ઉમેદવારો દ્વારા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષા પાસ કરવા અંગે સુદર્શન ટીવી દ્વારા શરૂ કરવામાં આવેલા વિવાદાસ્પદ કાર્યક્રમ ‘બિન્દાસ બોલ’ના પ્રસારણ પર સુપ્રીમકોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે આગામી આદેશો ન આવે ત્યાં સુધી કાર્યક્રમનું પ્રસારણ બંધ રાખવામાં આવે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વવાળી સુપ્રીમકોર્ટની બેંચે નોંધ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ મુસ્લિમોને બદનામ કરવાનો છે. બેંચે અવલોકન કર્યું હતું કે તમે કોઈ એક સમુદાયને લક્ષ્યાંક ન બનાવી શકો અને તેમને ચોક્કસ રીતે ન દર્શાવી શકો. નોંધનીય છે કે, સુદર્શન ટીવીના એડિટર સુરેશ ચવાણકે દ્વારા રજૂ કરવામાં આવતા આ કાર્યક્રમના પ્રસારણ વિરૂદ્ધ સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કાર્યક્રમનું શીર્ષક યુપીએસસી જીહાદ. યુપીએસસીમાં મુસ્લિમોના પ્રવેશને કોમવાદી રંગ આપે છે. સુપ્રીમકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, આ તબક્કામાં પ્રાથમિક દૃષ્ટિએ કોર્ટને એવું લાગે છે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ મુસ્લિમોને બદનામ કરવાનો છે. તે મુસ્લિમોને સનદી સેવાઓમાં ઘૂસણખોરીના ષડયંત્રનો ભાગ બનાવવાનો એક કપટી પ્રયત્ન છે. કોર્ટે આ પણ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં યુપીએસસીની પરીક્ષા માટે મુસ્લિમ ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા અને પ્રયત્નોની સંખ્યા અંગે કરવામાં આવેલા નિવેદનોમાં તથ્યાત્મક ભૂલો રહેલી છે. સુપ્રીમકોર્ટે તેના અવલોકનમાં કહ્યું હતું કે બંધારણીય અધિકારો અને મૂલ્યોના શાસન હેઠળ રહેલી સ્થિર લોકશાહી સમાજની ઈમારત વિવિધ સમુદાયોના સહ-અસ્તિત્વ પર ટકેલી છે. ભારત એક એવો કળશ છે. જયાં અનેક સંસ્કૃતિઓ અને મુલ્યો એક બીજામાં ભળી જાય છે. બંધારણીય અધિકારોની રક્ષા કરતી કોર્ટ કોઈપણ સમુદાયને બદનામ કરવાના પ્રયત્નોને સાંખી લેશે નહીં. સુનાવણી દરમ્યાન સુદર્શન ચેનલ વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ શ્યામ દીવાને આ કાર્યક્રમને વાણી સ્વતંત્રતાનો ભાગ ગણાવ્યો હતો. જો કે જસ્ટિસ ચંદ્રચૂડે તેમની દલીલને ફગાવતા કહ્યું હતું કે, આ વાણી સ્વતંત્રતાનો મુદ્દો નથી. તમને આમ કહેવાની પરવાનગી નથી કે જામિયાના વિદ્યાર્થીઓ સનદી સેવાઓમાં ઘૂસણખોરી કરવાના ષડયંત્રનો ભાગ છે. આ એક સમુદાયને બદનામ કરવા માટેનો પ્રપંચ છે. જસ્ટિસ ચંદ્રચૂડે આગળ કહ્યું હતું કે આ દેશની સુપ્રીમકોર્ટ તરીકે અમે તમને આ કહેવાની પરવાનગી ન આપી શકીએ કે મુસ્લિમો સનદી સેવાઓમાં ઘૂસણખોરી કરે છે. તમે આ ન કહી શકો કે પત્રકાર પાસે આ કાર્યક્રમ રજૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. સુપ્રીમકોર્ટે સુદર્શન ટીવીના આ વિવાદાસ્પદ કાર્યક્રમને નિરંકુશ ગણાવતા કહ્યું હતું કે મીડિયાના સ્વનિયમન માટે ચોક્કસ તંત્ર હોવું જોઈએ. સુપ્રીમકોર્ટની બેંચે કહ્યું હતું કે આ પ્રોગ્રામ મુસ્લિમોને બદનામ કરવાની સાથે સાથે યુપીએસસી તરફ પણ શંકાની સોય ધરે છે. એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ જસ્ટિસ ચંદ્રચૂડે ચુકાદો સંભળાવતી વખતે આ પણ ટિપ્પણી કરી હતી કે કોર્ટ ઈલેકટ્રોનિક મીડિયા માટે ચોક્કસ માપદંડો તૈયાર કરવા પાંચ અગ્રણી નાગરિકોની સમિતિ બનાવવા અંગે વિચારણા કરી કરી રહી છે.