ફાઈલ તસવીર

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
કોરોનાની મહામારી વચ્ચે લોકોના આત્મનિર્ભર બનવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં બનેલા વેન્ટિલેટર ધમણ-૧નો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવારમાં ફેલ ગયા હોવાની વાત સામે આવતા જ તંત્ર હરકતમાં આવી ગયું હતું, તો સિવિલ હોસ્પિટલના OSD ડૉ.પ્રભાકરએ ધમણ-૧માં જરૂરી સુધારા કરવાની વાત સ્વીકારી છે. પરંતુ કોરોનાગ્રસ્ત વ્યક્તિની સારવારના પ્રાથમિક તબક્કામાં ધમણ-૧ અત્યંત ઉપયોગી હોવાનું પણ જણાવ્યું છે. એટલે તંત્ર સ્વદેશી વેન્ટિલેટર ફેલ થવા મુદ્દે સીધું બચાવમાં ઉતરી ગયું છે. આ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડૉ.એમ.એમ. પ્રભાકરે જણાવ્યું છે કે, કોરોના દર્દીઓની સારવારમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-૧ અને અત્યાધુનિક એવા હાઈ એન્ડ વેન્ટિલેટર એમ બંને ઉપયોગી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિને શરૂઆતના તબક્કે કૃત્રિમ રીતે ઓક્સિજન પૂરો પાડવો પડે ત્યારે ધમણ-૧ અત્યંત ઉપયોગી છે. પરંતુ જ્યારે દર્દી ક્રિટીકલ કન્ડીશનમાં હોય ત્યારે હાઈ એન્ડ વેન્ટિલેટરની જરૂર પડે છે. ડૉ.પ્રભાકરે જણાવ્યું કે, ધમણ-૧ વેન્ટિલેટરનો ઉપયોગ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે. કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલા એનેસ્થેસિયા નિષ્ણાંત સહિતના તબીબો દ્વારા ધમણ-૧નું ડેમોન્સ્ટ્રેશન યોજી તેના ઉપયોગની સમજ આપવામાં આવી હતી. કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા વેન્ટિલેટરમાં એક પ્રકાર હાઈ એન્ડ વેન્ટિલેટર છે જે ખૂબ જ ગંભીર દર્દીની સારવારમાં ઉપયોગી છે. હાલમાં જે વેન્ટિલેટરની માંગ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે એ આ હાઈ એન્ડ પ્રકારના અત્યાધુનિક વેન્ટિલેટર છે. રાજકોટ ખાતે બનાવાયેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ-૧ પ્રાથમિક તબક્કાનું છે અને તેમાં જરૂરી સુધારા માટે અહીંના તબીબો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. કમ્પ્રેસર, મિક્ષ્ચર, હ્યુમિડિફાયર અને કેલિબ્રેશન જેવા ઉપકરણો સંલગ્ન ઉત્પાદક દ્વારા ધમણ-૧ વેન્ટિલેટરના આગામી તબક્કામાં જોડવામાં આવશે, તેમ ડૉ.પ્રભાકરે જણાવ્યું હતું. ડૉ.પ્રભાકરે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા સત્વરે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી. આવા સમયે રાજ્યની જ ખાનગી કંપનીએ માત્ર ૧૦ દિવસમાં સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા જે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-૧ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ભારતમાં અને વિશ્વમાં જ્યારે વેન્ટિલેટરની કમી હતી ત્યારે ગુજરાતની કંપનીઓ સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા.