(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
સુપ્રીમ કોર્ટે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીને પ્રશ્ન કર્યો કે તમે પહેલા કોર્ટને સંતુષ્ટ કરો કે સુનંદા પુષ્કરની મૃત્યુની તપાસ માટે એસઆઈટીની માગણી કરતી અરજી દાખલ કરી છે એની ટકવા પાત્રતા કેટલી છે ? શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરની મૃત્યુ ર૦૧૪ના વર્ષમાં થઈ હતી. ૧૭મી જાન્યુઆરીએ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટેલમાંથી પુષ્કરનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થઈ હોવાનું બહાર આવ્યું હતું. સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સુનંદાની મૃત્યુની તપાસ માટે એસઆઈટીની માગણી કરી હતી, જે અરજી રદ કરાઈ હતી જેના પગલે એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્વામીને પ્રશ્ન કર્યો કે અરજીના ગુણદોષ ઉપર ચર્ચા પછી કરીશું. પહેલા તમે અમને અરજીની ટકવા પાત્રતા જણાવો સ્વામીએ જણાવ્યું હતું કે આમાં જાહેરહિત સમાવિષ્ટ છે. એમણે દાવો કર્યો કે દિલ્હી પોલીસે સુનંદાની મૃત્યુ પછી એફઆઈઆર એક વર્ષ પછી દાખલ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવેલ હતું કે સુનંદાનું મૃત્યુ કુદરતી ન હતું. બેંચે સ્વામીને પ્રશ્ન કર્યો કે પહેલા અરજીની ટકવા પાત્રતા જણાવો અન્ય મુદ્દાઓ પછી, અને કેસને ત્રણ અઠવાડિયા માટે મુલતવી રાખ્યું. ર૬મી ઓક્ટોબરે દિલ્હી હાઈકોર્ટે સ્વામીની અરજી રદ કરતા નોંધ કરી હતી કે સ્વામીની અરજીમાં કોઈ જાહેરહિત નથી. આ અરજી રાજકીય હિત વિવાદનો જીવંત દાખલો છે. સ્વામીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પોલીસ કેસમાં ભીનું સંકેલી રહી છે અને થરૂર ઉપર આક્ષેપો મૂક્યા કે એ જ્યારે મંત્રી હતા ત્યારે અમે હાલમાં પણ તપાસમાં દરમિયાનગીરી કરી રહ્યા છે. કોર્ટે સ્વામીને પ્રશ્ન કર્યો કે તમે કયા આધારે થરૂર ઉપર આક્ષેપો કરો છો. ત્યારે સ્વામીએ કહ્યું કે અમે પછીથી સોગંદનામામાં જણાવીશું જ્યારે કોર્ટ અમને પૂછશે. બેંચે સ્વામીની ઓફર નકારતા કહ્યું કે તમે કેસને લગતી માહિતી છુપાવી રહ્યા છો. જે તમને કોર્ટ સમક્ષ જણાવવી જોઈએ.
સુનંદા પુષ્કર કેસમાં સુબ્રમણ્યમ સ્વામીની અરજી ટકવાપાત્ર છે કે નહીં ? સુપ્રીમ કોર્ટનો પ્રશ્ન

Recent Comments