(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની થયેલ કથિત હત્યાની તપાસ એસઆઈટી દ્વારા કરાવવા માગણી કરતી અરજી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરી છે. જેના સંદર્ભે કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ મોકલી જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટની અરૂણ મિશ્રાની બેંચે અરજીની ટકવાપાત્રતાને ખુલ્લી રાખી નોટિસ મોકલાવી છે.
સ્વામીએ દિલ્હી હાઈકોર્ટના ર૬મી ઓક્ટોબરના ચુકાદાને પડકારી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. દિલ્હી હાઈકોર્ટે સ્વામીની ‘સીટ’ તપાસની માગણી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સ્વામીની અરજી રદ કરતા ટકોર કરી હતી. આ અરજીમાં કોઈ જાહેરહિત રહેલ નથી. આ અરજી રાજકીય હિત વિવાદનો અભ્યાસક્રમ જેવો સ્પષ્ટ દાખલો છે.
સ્વામીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે તપાસને ગૂંચવી નાંખી છે અને થરૂર ઉપર આક્ષેપો મૂક્યા હતા કે એ તપાસમાં દખલગીરી કરે છે.